Valentine Special
ન પૂછો નયનમાં છે આ કેફ શાનો
અમે તો નશીલી મુહોબત કરી છે
કહું કેમ રસમય છે જીવન અમારું
અમે તો રસીલી મુહોબત કરી છે
અમારા જીવનમાં અજબ ખુશખુશાલી
છે સંધ્યાના રંગો, ઉષાની છે લાલી
અમે હેતની હોળીએ ખેલશું કે
અમે તો રંગીલી મુહોબત કરી છે
વસંતોનું રંગીન પહેરણ પહેરી
અમે ઘૂમશું હાથમાં લઈ ચમેલી
તમોને ય ખુશબોમાં તરબોળ કરશું
અમે મઘમઘેલી મહોબત કરી છે
અમે ડર વિના જંગલોમાં ભટકશું
કહેશો તો જઈ ખોદશું પહાડને પણ
અમે હર્ષઘેલા, ન છે ભાન અમને
અમે પેલવેલ્લી મુહોબત કરી છે
અમે નાચવા માંડીએ ભરબજારે
અમે ગાઈએ ગીત એના મિલનનાં
રિવાજોની અમને જરાયે પડી ના
અમે તો છકેલી મુહોબત કરી છે
ભલે કેદ પૂરો કે અગ્નિમાં નાંખો
ભલે શૂળીએ પણ ચઢાવો અમોને
નહીં મૂકીએ માર્ગ એની ગલીનો
અમે તો હઠીલી મુહોબત કરી છે
કટોરા અમે ઝેરના ઘોળીએ તો
અનલહક અનલહક અમે બોલીએ તો
તમે એમ સમજી ક્ષમા આપજો કે
અમે છેલવેલ્લી મુહોબત કરી છે
-મહેંક ટંકારવી, બોલ્ટન
તેમના ‘પ્યાસથી પરબ સુધી…’ ગઝલ સંગ્રહમાંથી સાભાર
Illustration by Dilip Gajjar
સુન્દર ગઝલ ! બીના
kya baat hai… keep it up