કન્યા વિદાય વેળાએ-કુતૂબ ‘આઝાદ’ Posted on મે 16, 2009 by Dilip Gajjar કન્યા વિદાય વેળાએ પિયરનં આંગણું ત્યાગીને બહેની જાય છે આજે, મૂકી માબાપની માયા વિદાય થાય છે આજે. સખીરી લગ્ન છે તારા ને કિસ્મત આજ જાગી છે, બરાત આવી છે આંગણમાં અને શરણાઈ વાગી છે. તું આ શરણાઈ જેવા સૂર મીઠાં વેરતી જાજે, અહીંના સોણલા સર્વે અહીં ખંખેરતી જાજે. પતિનું ઘર એ દુનિયા આજથી તારી બની જાશે, હવે કન્યા મટી તું એક સન્નારી બની જાશે પતિ સેવાને સાચો ધર્મ સમજીને અદા કરજે, કુટંબે પ્રેમ દર્શાવી બધા દિલમાં જગા કરજે. પરાયા ઘરને પોતાનું કરી શોભાવવાનું છે, દયાનું હેતનું ઝરણું તને વર્ષાવવાનું છે. સુવાસો થઈ સદા ચર્ચાઈ તારી વાત સાસરીએ, દુઆ છે તારા પગલાંની પડે ત્યાં ભાત સાસરીએ. ગરીબી હોય તો ત્યાં જઈ ગરીબીમાં ખુશી થાજે, તને વાતાવરણ જેવું મળે તેમાં ડુબી જાજે. દુલ્હન આજે બની છે તું ચમકતું એ મુકદ્દર છે લૂછી લે આંસૂઓ પ્યારી ખુશીનો આજ અવસર છે કળીના જેમ ખીલી ફૂલ પેઠે મુસ્કુરાતી જા, મોહબ્બતનું નવા જીવનનું મીઠું ગીત ગાતી જા તને ભૂલી નહિ જઈએ દ્શ્ય એ સાદ આપે છે અમારી આંખના આસૂંઓ આશિર્વાદ આપે છે. સલામી લે, અમારી યાદ, હૈયે સંઘરીને જા, દુઆઓ આ કવિની તારા પાલવમાં ભરીને જા. નહિ’આઝાદ’ ભૂલે કોઈ પણ આ યાદગારોને, ખુદા આબાદ રાખે તારા ગુલશનની બહારોને. કુતૂબ ‘આઝાદ’ Share this:TwitterFacebookRedditLike this:Like Loading... Related