દિલની વાતો-દિલીપ ગજજર

Anterdeep

દિલની વાતો

ક્યાં કવિની નાતજાતો હોય છે

એક તેનો શબ્દ નાતો હોય છે


એક   તેનો  એકડો   જો ઘુંટિયો

તો પછી ક્યાં રક્તપાતો હોય છે


ભાવતાલોની   કશી  પરવા નથી

પ્રેમીઓની દિલની વાતો હોય છે


દુનિયા  આખી  ચહે  જે  ઢુંઢવા

પામનારો  ગીત  ગાતો  હોય છે


ડર  કશો  ના  તૂટવાનો  હોય તો

તે જ થઈ તારક ચમકતો હોય છે


દિલતણો રાજા જગે જે થઈ ગયો

વંશ  માટે ક્યાં ભટકતો હોય છે ?


-દિલીપ ગજજર


યાદ આવે જ્યારે માતા -હસન ગોરા ડાભેલી

Hasan DG

જ્ગતમાં ખુનામરકીઓ હવે બંધ થાય તો સારું

ને માનવમાં બધે ભાઇચારો જો ફેલાય તો સારું

જગતના ખૂણેખૂણામાં વહે છે લોહી માનવનું

‘હસન’ એવી ખબર દરરોજ ના સંભળાય તો સારું

ગઝલ

યાદ આવે જ્યારે માતા આંખ પણ થમતી નથી

શોધતાં પણ માની મમતા જગમહીં મળતી નથી

હું કદી બિમાર પડતો તે સમય તું એકલી

રાત આખી જાગીને તું આહ પણ ભરતી નથી

મા નથી જેની જગતમાં તેને જઈ પૂછો જરા

શોધે છે નિજ માને દિકરો મા હવે જડતી નથી

મગફેરત તું માની કરજે છે દુઆ આ લાલની

કરગરું છું દિલની અંદર જીભ કંઈ કહેતી નથી

માના ચરણોમાં  છે જન્નત વાત સાચી છે ‘હસન’

આમ કંઈ જન્નત મળે જે એટલી સસ્તી નથી

હસન ગોરા ડાભેલી, બાટલી

મિત્રો આજે બેટલી, યોર્કશાયરના એક કવિનું મુક્તક અને ગઝલ રજુ કરું છું. જનાબ હસન ગોરા ૨૭.૦૯.૨૦૦૯ના જગત છોડી ચાલી ગયા છે. ઘણાં વર્ષોથી સાથે મુશાયરામાં ભાગ લેતા કવિઓમાં આ દુઃખદ સમાચારથી શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેઓ મોટેભાગે મુશાયરામાં તરન્નુમમાં પોતાની લાગણીસભર ગઝલો રજુ કરતા. સદગતને શાંતિપ્રાર્થના અને તેમના પરિવારને સાંત્વના. જગતના મંચ પર કોઈ યુ ટર્ન નથી મુશાયરા થતા રહેશે તેમની યાદ ભૂલાશે નહિ.

તા. ૧૧મી ઓગષ્ટના બેટલીના મુશાયરો તેમના માટે આખરી યાદરુપ બની રહ્યો.
જમણી બાજુથી બીજા ક્રમે જ. હસન ગોરા, દિલીપ ગજજર, અહમદ ગુલ, બેદાર લાજપુરી,અન્જાન પછી શબ્બીર કાજી અને સેવક આલીપુરી ઉભેલ છે.

ખુદ્દાર થઈને જીવો…

છે દિવાલીમાં અલી રમાદાનમાં શ્રી રામ છે

સૃષ્ટીકર્તાનો  વિવિધતાથી  ભર્યો  દમામ છે !

-દિલીપ ગજ્જર

lilly

Integration

હવે નફરતનું આ વાદળ, હટી જો જાય તો સારું

પરસ્પર એકતા જેવું હવે જો થાય તો સારું

તમે ગોરા કે કાળા, એશિયન કે આફ્રીકન હો,

હરએકના લોહીનો રંગ લાલ છે સમજાય તો સારું


Gazal ખુદ્દાર થઈને જીવો

ગફલતને ફગાવી દો, બેદાર થઈને જીવો

છોડો આ હતાશાને, ખુદ્દાર થઈને જીવો


આ  માનવી  કુદરતનું છે  સર્વ શ્રેષ્ઠ  સર્જન

તેથી જ આ ધરતીનો, શણગાર થઈને જીવો


થઈ જાવ મિત્રો સામે, તો પુષ્પથી યે કોમળ

પણ દુશ્મનોની સામે, તલવાર થઈને  જીવો


આ પંથ છે અજાણ્યો,  અંધકાર ચોતરફ છે

અંધારા માર્ગે વીજનો ઝ્બકાર થઈને જીવો


જીવો જો રાખ થઈ જશો તો પવન પણ ઉડાડી દેશે

તણખો    બનીને    ઉઠો,    અંગાર  થઈને  જીવો

સિરાજ પટેલ ‘પગુથનવી’


ડુબી જા દિલના દરિયે પ્રેમના અક્ષર અઢી થાશે -દિલીપ ગજજર

Photo by Dilipગઝલ

તૂટે ચાંચો જ્યાં કેવળ શાસ્ત્રની વાતો બડી થાશે

ડુબી જા દિલના દરિયે પ્રેમના અક્ષર અઢી થાશે

વળી  જા  એકસોને એંસી અંશે અંતરયામિ  છે

ભટકવાથી  તો કેવળ  ટાંટિયાઓની  કઢી  થાશે

કરી  મોટો  અહં તે  સાંકળો  બાંધે છે  સત્તાની

કહો  એ કોણ છે જે તૂટતા દિલની કડી  થાશે ?

ડુબીને  ધ્યાનસાગરમાં  જરા  ફંફોળતા  સંભવ

તને  તળીયે પડેલાં સુખ તણી ચાવી મળી જાશે

તપેલી  ખોપડીમાં  શબ્દ પડતા છમ  કરી  ઉડે

અમસ્તી  વાતમાંથી  વાત  વધવાથી લડી જાશે

સબંધો   દિવ્ય  ક્યાં  છે  દર્પણે  પ્રતિબંબ  જૂઠ્ઠા  છે

‘દિલીપ’ નિજના ગણે છે તે જ તુજથી આથડી જાશે

-દિલીપ ગજજર