માઈક મળે તો કોઈ છોડે ?…કૄષ્ણ દવે

Self Publicity copy


પરસેવો  બિચ્ચારો  રઘવાયો  થઈને  ભલે ચહેરા પર આમતેમ દોડે !

માઈક મળે તો કોઈ છોડે ?


નાના અમથા એ ટીંપા શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?

આકાશે ચાંદો છે,  ચાંદામાં  પૂનમ  ને  પૂનમના  પાયામાં  બીજ છે

વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ  જોડે.

માઈક મળે તો કોઈ છોડે ?


ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેચાતા ભાગમાં

કંટાળો જાણે કે આખ્ખુ  કુટુમ્બ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં

તાજા ઉઘડેલ એક વક્તાને  ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.

માઈક મળે તો કોઈ છોડે ?


છેલ્લી બે વાત, એવું  કાનમાં  પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે

છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે

સાકરના ગાંગડાને કચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.

માઈક મળે તો કોઈ છોડે ?


કૄષ્ણ દવે


પ્રેમ છે તે તું જ છે -દિલીપ ગજજર

મિત્રો, આજે  સૌને માટે લાભ પાંચમ  ઈશ્વર માટે સા તુ પરમ પ્રેમ સ્વરુપા ચ..કહેવાયું છે માટે પ્રેમ પાંચમ પણ ખરીને ?

તો તમને મારી એક ગઝલ સંભળાવું છું શ્રી હસમુખ ગોહીલ ના સુમધૂર કંઠે આપના પ્રતિભાવની મીઠી પ્રતિક્ષા સહ

પ્રેમ છે તે તું જ છે …

ચંદ્રમા  વધતો  રહે  ને  ચંદ્રમાં  ઘટતો  રહે

પ્રેમ એવો આપનો છે જે સતત વધતો રહે

એક તારી ડાળ  પરથી  મોરનો  ટહુકો ઊઠે

હું મટી ને તું હી તુ હી નામ બસ રટતો રહે

લાખ  જન્મોની  સફરમાં નાવ કિનારો ચહે

પ્રેમમાં  તારા  ડૂબેલો  સાગરો   તરતો   રહે

કૈક  ખોતા  કંક મળશે ભાવની આ સંપદા

જીન્દગીની આપદામાં તું સદા હસતો રહે

આંખથી  આસૂં નિતરતાં  ભાવભીના  દિલમહીં

દૂર  તનથી  તું  જતી  તો   પ્રેમ  પાંગરતો   રહે

પ્રેમ  છે  તે  તું  જ  છે  ને  તું જ છે તે પ્રેમ  છે

પ્રેમરુપે   તુજમહીંથી  તે   સતત   મળતો   રહે

હાં, પ્રિયાની  યાદમાં તો વિશ્વને ભુલી  ‘દિલીપ’

રોજ  બસ  તેની  જ  ગઝ્લો ગાઈને ફરતો  રહે

-દિલીપ ગજજર
બારમાસી સંદેશ

વિક્રમ સંવત ૨૦૬૬

મિત્રો, આપ સહુને નૂતન વર્ષના અભિનંદન સાથે બારમાસ વિષે સંદેશ આપતી રચના રજુ કરું છું

આશા છે આપ સહુને ગમશે.

બારમાસી સંદેશ

Barmasi Sandesh DG


દીપની જ્યોતે તમસ ભાગી જશે -દિલીપ ગજજર

દીપાવલિ ઉત્સવ સપ્તક નિમિત્તે સર્વે મિત્રોને લેસ્ટરર્ગુર્જરીના અભિનંદન !

Diwali-muktakદીપની જ્યોતે તમસ ભાગી જશે

સૂર્યનું સંતાન  પથ  ભાળી જશે

સાચવો જીવન સકલ અજવાળશે

છેડશો જો દીપ, સળગાવી  જશે

સત્યનો દીપક ગ્રહી લે રાતભર

પ્રાતઃકાળે મંજીલે પહોંચી જશે

પ્રેમભાવો દિલથી ચાલી જતા

રાગદ્વેષો ઘર પછી બાળી જશે

બંધ આંખે શીર પર આજ્ઞા ધરો

ભ્ર્ષ્ટ માર્ગે કોઈપણ વાળી જશે

ચૂપ રહી અન્યાય જો સહેતા રહો

વૃત્તિ રાવણિયા  બધે વ્યાપી જશે

રાત કાળી  જૂલ્મની લંબાઈ ગઈ

કૃષ્ણ   નરકાસૂરને    મારી  જશે

ભાઈ મારા, જો રહે લડતા સતત,

તે’દિને   દીપાવલિ  ચાલી  જશે

માનવી લાચાર ભૂખ્યો ના સૂએ

તે’દિને  દીપાવલિ  દીપી  જશે

વ્યાસ  ઉંચો સાદ દઈ  પોકારતાં,

કોઈ  તો હજ્જારમાં  જાગી જશે

વર્ષ  બેઠું  તું  કદી   ના  બેસતો,

જીન્દગી સંકલ્પ બદલાવી જશે

રાત આખી વાટ સંકોરી ‘દિલીપ’

પૂર્વ-સંધ્યા   જોઈને  પોઢી  જશે

-દિલીપ ગજજરhappy-diwali1

May you be blessed with Happiness and well being to last thruogh the Year. Happy Diwali

Both Illustration  by Dilip Gajjar

મોસમો બદલાય છે-દિલીપ ગજજર

autumn-leavesરંગ જો બદલાય છે

રંગ આવી જાય છે


પાન ખરતા જોઈને

ૠત કઈ સમજાય છે


તુંય પણ બદલાય જા

મોસમો બદલાય છે


ના પચેલા અન્ન સમ

જ્ઞાન પણ ગંધાય છે


ખુશ્બો ચારિત્ર્યની

ચોતરફ ફેલાય છે


તેજ ના હો તે જ નર

તેજથી અંજાય છે


છે ઈશુ ઉદાસ પણ

ગીત પંખી ગાય છે


કોયલો હિરો થતાં

રત્નમાં પંકાય છે


નાવ ડૂબી ગઈ છતાં

શિષ્ય તરતાં જાય છે


સંખ્યા પ્રમાણથી

સત્ય ક્યાં સમજાય છે


શીલના ઉપદેશથી

શીલ ક્યાં ઢંકાય છે


વાતમાં ને વર્તને

કાં જુદો વરતાય છે


‘દિલીપ’ અંતરદીપમાં

તે ઝલક દઈ જાય છે

-દિલીપ ગજજર