મોસમો બદલાય છે-દિલીપ ગજજર

autumn-leavesરંગ જો બદલાય છે

રંગ આવી જાય છે


પાન ખરતા જોઈને

ૠત કઈ સમજાય છે


તુંય પણ બદલાય જા

મોસમો બદલાય છે


ના પચેલા અન્ન સમ

જ્ઞાન પણ ગંધાય છે


ખુશ્બો ચારિત્ર્યની

ચોતરફ ફેલાય છે


તેજ ના હો તે જ નર

તેજથી અંજાય છે


છે ઈશુ ઉદાસ પણ

ગીત પંખી ગાય છે


કોયલો હિરો થતાં

રત્નમાં પંકાય છે


નાવ ડૂબી ગઈ છતાં

શિષ્ય તરતાં જાય છે


સંખ્યા પ્રમાણથી

સત્ય ક્યાં સમજાય છે


શીલના ઉપદેશથી

શીલ ક્યાં ઢંકાય છે


વાતમાં ને વર્તને

કાં જુદો વરતાય છે


‘દિલીપ’ અંતરદીપમાં

તે ઝલક દઈ જાય છે

-દિલીપ ગજજર

17 thoughts on “મોસમો બદલાય છે-દિલીપ ગજજર

 1. અરે ભાઈ!! વાહ!!
  આજ કાલ મોસમો ઘણી બદલાય રહી છે…!

  આ મોસમ જો બદલાતી ન હોત શું થાત
  ચાલો, આજે આપણે એની કરીએ કોઈ વાત…આ મોસમ…

  ન રંગ હોત આ ફિંઝાઓમાં ન કોઈ રૂપ હોત
  જાણે કે અહિં હોત કાયમ વસમી કોઈ રાત…આ મોસમ…

  ન કોયલના ટહૂકાઓ ન કલાપીનો કેંકારવ
  આ અવનિ જાણે થઈ ગઈ હોત સાવ શાંત….આ મોસમ…

  ન હોત અહિં ખરતાં પર્ણોનો કોઈ સળવળાટ
  ને આ વહેતો સમીર કરતે કોની સાથે વાત??…આ મોસમ…

  બદલાતી મોસમ છે જાણે બદલાતી જિંદગી
  જિંદગીમાં જાણે સમાયા મોસમના રંગ સાત…આ મોસમ…

  હાલે, અહિં હું ન્યુ જર્સીના સહુથી સૌંદર્યભર્યા પ્રદેશમાં રહું છું. પાનખરે એવી તો પિંછી ફેરવી છે કે વૃક્ષો સહુ રંગીન થઈ ગયા છે. આ નજારો વિસેક દિવસ ચાલશે. ત્યારબાદ, સાવ બોડાં-પર્ણવિહિન વૃક્ષોની પણ એક અનોખી સૃષ્ટિ રચાશે…અને સ્નો પડશે એટલે એ સુકી ડાળીઓ પર સફેદી છવાય જશે.વાહ..!!
  કુદરતની લીલા અનોખી છે.
  સુંદર છે…!!

  કારણ કે, મોસમ બદલાય છે. મોસમ બદલાય છે…મોસમ બદલાય છે…

  …અને મારા-તમારા જેવાને ક્યારેક કવિ તો ક્યારેક લેખક બનાવે છે…

  • નટવરભાઈ, તમારી મોસમો બદલાય છે થી જ આ કવિતા મુકી..તમારો કાવ્યમય પ્રતિભાવ ગમ્યો…વાર્તામાં ય ઘણી પંક્તિ જામે છે…અહી લેસ્ટરમાં પણ પાનખર પાંગરી છે..સાચે જ પાગલ બનાવે છે..કેવા સુંદર રંગો અને એક પાંદડું કેટલું કહી જાય છે..અસંખ્ય પાદડા અત્યારે આપણી કાર પર પણ જાણે અભિષેક કરતા હો તેમ લાગે છે…અમે ગ્રુપમાં જમ્ગલોમાં પાનખર જોવા નીકળી પડવાના છીએ..dilip

 2. દિલીપભાઇ,

  ટૂંકી બહેરની સરસ ગઝલ.મને ગમી વાત મોસમ બદલાવાની.પાનખર આવી રહી છે..આંસુંની જેમ પાંદડા ખરશે.અને કુદરતની આગળ ઓશીયાળો માણસ ફરી વસંતની રાહ જોશે…બદલતા મોસમ ઉપર કવિતા લખવાનુ મન થઈ ગયુ.

  સપના

 3. Enjoyed the beauty of poetry
  by flowing ‘દિલીપ’ અંતરદીપમાં
  તે ઝલક દઈ જાય છે
  -દિલીપ ગજજર

  and shri Natavarabhai
  ન હોત અહિં ખરતાં પર્ણોનો કોઈ સળવળાટ
  ને આ વહેતો સમીર કરતે કોની સાથે વાત??…આ મોસમ…

  Vaah..Congratulation
  Ramesh Patel(Aakashdeep)

 4. ટુંકાણમાં ઘણું જ્ઞાન પીરસી દીધું દિલીપભાઈ …

  ના પચેલા અન્ન સમ
  જ્ઞાન પણ ગંધાય છે

  જ્ઞાન પચે તો જ દીપી ઊઠે નહીં તો એ પણ ગંધાય, જેવી રીતે અધૂરો ઘડો છલકાય છે તે જ રીતે. વળી,

  નાવ ડૂબી ગઈ છતાં
  શિષ્ય તરતાં જાય છે

  એમાં શ્રદ્ધાનો મહિમા ઉજાગર થાય છે. રામ કદાચ ન તરે પણ એમનાં નામે પથરા તરી જાય એવું બને. એમ જ કદાચ દ્રોણ હારી જાય પણ દ્રોણને નામે ભણનાર એકલવ્ય ધનુર્ધર બની જાય એમ બને. ખુબ ઓછા શબ્દોમાં મોટો બોધ છે. ટુંકસાર એ છે કે તરવા માટે નાવ પૂરતી સક્ષમ ન હોય તો પણ જો એમાં સવાર કુશળ હોય તો સામા કાંઠે પહોંચી જાય.

  સંખ્યા પ્રમાણથી
  સત્ય ક્યાં સમજાય છે

  લોકશાહીમાં બધું સંખ્યા કે બહુમતી પરથી જ નક્કી થાય છે, પણ એમાં સત્ય કદીક સત્ય ઢંકાઈ જાય છે. બહુમતી અંગુઠાની છાપ એક જાહેર અસત્યને પણ સત્યમાં ઠેરવી શકે છે, એ કમનસીબી છે.

  દિલીપભાઈ, સાધારણ દેખાતાં પણ વિચારતાં ઘણાં ગહન સંદેશથી ભરેલ સુંદર હીરાઓ એકઠા કર્યા છે આ રચનામાં.

  • દક્ષેશ Sir, ખુબ ખુબ આભાર આપ જેવા અભ્યાસુ નો પ્રતિભાવ..ઘણો મુલ્યવાન બની રહે છે જ્યાં જ્ઞાન ની વાત કહેવાય… મળતા રહીશું… આજે અમારા લેસ્ટરમાં નાનક્ડી મહેફિલની બેઠક યોજીએ છીએ ભારતથી હેમંતભાઈ, ભરુચ બાજુના છે..તેઓ ગાયક કંપોજર છે અહીના થોડા શાયરોની ગઝલ ગાશે બેદાર લાજપુરી અને મારી પણ, સાથે અદમભાઈ, ગુલ, અને બીજા ત્રણ એમ દશેક કવિની રચના ગવાશે આ ગાયકને આવી પ્રેરણા દેનાર કિશોર સાગર ને પણ અમે ભારતથી બોલાવેલ..બંન્ને મિત્રો છે દુઃખની વાત છે કે કિશોર સાગરને સ્ટ્રોક આવી ગયો અને અને ડાબુ અંગ ખોટુ પડી ગયું..ગાવા કે લખવા સક્ષમ નથી.. જેમણે બે સંગ્રહ આપ્યા..અને સારા ગાયક પણ હતા.. જ્યારે વિચાર આવે કે એક કલાકારની શું મનઃસ્થિતી હશે..

 5. દિલીપભાઈ
  પાનખરના પાંદડા જેવી ગઝલ એના રંગો લઈને
  ચોમેર ફરી વળી છે અને તેમાંય તમારું આમંત્રણ;
  રંગ જો બદલાય છે..
  જ્હોન કીટ્સની પંક્તિ યાદ આવે છે
  thing of beauti is joy for ever..
  છતાં એક વાત તરફ ધ્યાન દોરવું છે
  તુંય પણ બદલાય જા
  મોસમો બદલાય છે અને બદલે
  તું પણ બદ્લાઈ જા
  મોસમો બદલાય છે હું ગઝલનો માણસ નથી
  છંદ મારામાં તૂટતો હોય તો મને ખબર નથી
  ગઝલ ગમી, ગઝલમાંની કવિતા ગમી એજ

 6. ના પચેલા અન્ન સમ
  જ્ઞાન પણ ગંધાય છે

  ખુશ્બો ચારિત્ર્યની
  ચોતરફ ફેલાય છે

  તેજ ના હો તે જ નર
  તેજથી અંજાય છે

  ખુબ જ સરસ અને સરળ શબ્દોમાં તમે સાચી વાત કહી, જ્ઞાન જો વહેંચવામાં ન આવે તો પડી રહેલાં અન્નની જેમ સડીને વાસી થઈ જાય છે ને તેવા જ્ઞાનની સુવાસ ના આવે, દુર્ગંધ જ આવે! જેનામાં તેજ ન હોય તે હંમેશા બીજાથી અંજાઈને તેના દબાણમાં રહીને ગધેડાંની જેમ વેંતરું વેઢારતો રહે છે!! તેનામાં પોતાનું સ્વપણું સ્વમાન જેવું કંઈ રહેતું નથી. અને ચારિત્ર્યવાન પર તો સૌ કોઈ વિશ્વાસ રાખે અને તેના વ્યક્તત્વની જયાં પણ જાય ત્યાં તેની સુવાસ ફેલાતી હોય છે.

  શીલના ઉપદેશથી
  શીલ ક્યાં ઢંકાય છે

  આચરણ અને ચોખ્ખા વ્યવહાર થી જ શીલ ઢંકાઈ..તમારી દરેક પંકિતોમાં ગહનતા છે, ઊંડો પણ સરળતાથી સમજાય તેવો ભાવાર્થ છે અને તે જ તમારી લખાણ શૈલીની આવડત!!

 7. જય શ્રીકૃષ્ણ દિલિપભાઈ,
  આપની રચના દરેક મોસમના બદલાવવાની સાથે સાથે જીવનમાં આવતાં પરિવર્તનથી પણ માહિતગાર કરે છે અને ઘણા જ ગહન વિચાર પણ સંતાયેલા છે સાથે નટવરભાઈએ આપેલ કાલ્યાત્મ અભિપ્રાય પણ ખુબ જ ગમ્યો.
  આપનો ડો.હિતેશ ચૌહાણ

 8. તુંય પણ બદલાય જા
  મોસમો બદલાય છે

  સુંદર વાત! એક્દમ વ્યવહારિક વાત. મોસમ સાથે જે નથી બદલાતો તેનુ અસ્તિત્વ કાયમ જોખમમાં હોય છે. ચાર્લ્સ ડાર્વિનની થિયરી મુજબ, બદલાતા વાતાવરણ સાથે અનૂકૂલન સાધનાર ચિરંજીવી બને છે. ઘણાં લોકો જડતામાં ગર્વ લેતા હોય છે. પરંતુ ખરેખર તેઓ બરડ હોય છે. તમે સરસ વાત એક શેરમાં વણી લીધી. વાહ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s