સાગરનો તાગ ના મળે ડૂબી ગયા વિના-Siraj Patel

સહારો

પ્રેમને જ્યારે વફાનો સાથ મળતો જાય છે

સિલસિલો એ પ્યારનો મજબૂત બનતો જાય છે

બિન સહારે ઝોલાં ખાતી ને હતી અટવાયેલી

‘સિરાજ’ નૌકા ને કિનારો આજ મળતો જાય છે

સાગરનો તાગ ના મળે ડૂબી ગયા વિના

પાપી હદયને જાતે અજવાળી નાખશો તો

ધોવાય જાશે પાપ  પણ કાશિ ગયા વિના

મળશે નહીં  જીવનમાં અમનો અમન કદી પણ

લાલચ ને મોહમાયા વીસરી ગયા વિના

ચાલ્યા ગયા જગતથી ઉમરાવ બાદશાહો

ધન-સંપતિ ખજાનો બાંધી ગયા વિના

મળશે તો ચેન કઈ રીતે મળશે કહો ‘સિરાજ’

દુનિયાના ઝંઝાવાતથી છુટી ગયા વિના

-સિરાજ પટેલ ‘પગુથનવી’

તેમના સંગ્રહ ‘ફ્રોમ લંડન વીથ લવ’ માથી સાભાર, અમનો અમન = શાંતિ

મને ભીડમાં ના ભટકવું ગમે છે-દિલીપ ગજજર.

ગઝલ

મને  ભીડમાં ક્યાં ભટકવું ગમે છે

હ્દય કેરા  અવકાશે મળવું ગમે છે

ભલે   કોઈ   શંકા  કુશંકા   કરે  ને,

મને  પ્રેમમાં  પલપલ  પડવું  ગમે છે

આ પડવાનું હલ્કૂં નહિ સમજો મિત્રો,

કદી  પૂષ્પ  થઈ  ચરણે  ચડવું ગમે છે

નથી  સાવ  સીધો પ્રણયપંથ  જગમાં

મળે  દુઃખ કે ઠોકર તે  સહેવું  ગમે છે

સજાઓના શિરપાવ શિર પર ચડાવું

મને  સ્થાન  ક્યાં  તેનું  લેવુ  ગમે છે

પ્રિયાના મિલનમાં મળે છે જે આનંદ

તરસતું  જગત  જોઇ  હસવું ગમે છે

નજર  મળતા  તેની પિયુષપાન થાયે

પછી  સર  ઝુકાવી  ના  ફરવું ગમે છે

બધાનો  છે  માલિક  તો  બંદૂક લઈને

મને  તેના  નામે  ના  લડવું  ગમે છે

મળે ના મળે , સપના સાકાર છે ત્યાં

‘દિલીપ’ ને ગઝલ દર્પણ જોવું ગમે છે.

-દિલીપ ગજજર.

આ ગઝલ અગાઉ કુતૂબ આઝાદના  સામયિક ‘તમન્ના’ માં બગસરાથી તુરાબ હમદમ થકી પ્રસિદ્ધ થયેલ.

આદિલ મન્સૂરીને દિલીપ ગજ્જરની સ્વરાંજલી અને શ્રી રાજેન્દ્ર શુક્લના બે સોનેટ

સ્વર-દિલીપ ગજજર, સંગીત-નારાયણ ખરે, કોરસ સ્ટૂડીઓ

 


મિત્રો, લાડીલા આદિલ મન્સૂરી

આપણને મળ્યા, ૧૮ મે ૧૯૩૬ થી ૬ ઠ્ઠી નવેમ્બર ૨૦૦૮ સુધી

આજના દિવસે તેમને  ગઝલાંજલિ અર્પણ કરીએ

અને તેમની યાદમાં જ તૈયાર થયેલ ઓડીયો રજુ કરું છું….

તો ચાલો સાંભળીએ તેમની એક જોરદાર ગઝલ !!!

લાગણીને આમ ના વિસ્તાર વચ્ચે આવશે…


લાગણીને આમ ના વિસ્તાર વચ્ચે આવશે

આપણા  હોવાપણાનો ભાર વચ્ચે આવશે

આંગણુ  સંબંધનું કોરુ  રહી જાશે અગર

એક દિ વરસાદ મૂશળધાર વચ્ચે આવશે

વચ્ચેની  દિવાલ  કેવી   પારદર્શક   છે  હજી

પણ સમય વિત્યે સમયનો ક્ષાર વચ્ચે આવશે

તું બધું છોડીને ચાલી તો નીકળ પહેલા પછી

ડગલે  ને  પગલે ભર્યા ભંડાર વચ્ચે  આવશે

કોના કોના આંગળાની છાપ છે ગરદન ઉપર

દોસ્તોના   નામ   વારંવાર   વચ્ચે   આવશે

આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને

ગુર્જરી  સોળે  સજી શણગાર વચ્ચે  આવશે

આ ગઝલ ‘આદિલ’ હ્દય સોંસરવી ઉતરી જાય પણ

પંડિતોને  પાઘડીનો  ભાર  વચ્ચે  આવશે


આદિલ મન્સૂરી

આપણને મળ્યા ૧૮ મે ૧૯૩૬ થી ૬ ઠ્ઠી નવેમ્બર ૨૦૦૮ સુધી

આપણી ગુજરાતી ભાષાના માતબર આધુનિક ગઝલકાર જેણે ગુજરાતી ગઝલને ઉર્દૂ ગઝલોથીયે એક મુઠ્ઠી ઉચેરું સ્થાન અપાવ્યું એવા આપણા સૌના લાડીલા ગઝલકાર આદિલ મન્સૂરી જે આજે આપણી વચ્ચે નથી અને આ મહિનાની છ્ઠ્ઠી તારીખે એમની મરણતીથિ આવી રહી છે ત્યારે આપણી નૈતિક ફરજ બની રહે છે કે આપણે એમને સ્મરી લઈએ.વર્ષોથી આદિલ સાહેબનું અહીં ઈન્ગલેન્ડનું આગમન અહીંના કવિમિત્રો માટે એક અનેરા અવસર સમું હતુ. હું અને લેસ્ટરસ્થાયી મારા કવિમિત્ર દિલીપ ગજ્જર એમને એરપોર્ટ રિસીવ કરવા જતાં, અને આદિલ સાહેબ જેવા કારમાં બેઠક જમાવે કે પ્રથમ તરત પોતાની નહિ પણ અમારી ગઝલોની ખબર અંતર પૂછે પછી આખો માહોલ ગઝલમય બની જતો સો માઈલનો એમ વન રાજ્માર્ગ ક્યાં કપાઈ જતો તેનો ખ્યાલ સુદ્ધાં રહેતો ન હતો, અહીં યુ.કે.ના સહાયકોને ખૂબ પ્રેમપૂર્વક ગઝલપૂર્વક મળે મળે, સાંભળે ને લખનવી અંદાજ્માં દાદ પણ આપે. આમ એમના વારંવાર બ્રિટનના આગમનથી ઘણાં નવોદિતોને ગઝલ લખવાની પ્રેરણા મળી અને ગઝલસર્જન ની પ્રક્રિયા ચાલુ રહીછે. આ બધું એમનું પ્રદાન ફૂલીફાલી રહ્યું છે પરંતુ અફસોસ એ વાતનો કે હવે આપણી વચ્ચે એ ગઝલના ધુરંધર નથી. હવે એની ગઝલોના પડઘા કાને પડતા રહેશે પરંતુ ગુજરાતને હવે શાયદ આવો ગઝલકાર મળે ન મળે…..તો મિત્રો, એમની ગઝલને અંજલિરુપે કવિશ્રી દિલીપ ગજ્જરના સ્વરમાં સાંભળીઅએ,……લાગણીને આમ ના વિસ્તાર વચ્ચે આવશે, આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે

-બેદાર લાજપુરી,

જેઓ અચ્છા શાયર છે અને લેસ્ટર ગુજરાતી લિટરરી ગ્રુપ ઓફ લેસ્ટરના પ્રેસિડન્ટ પણ છે તેઓને આજે આદિલજિની અંજલીનો પરિચય આપ્યો યુટ્યુબની સમયમર્યાદાને કારણે તેમનો અવાજ ન મૂકી શકાયો તે દરગુજર કરશો…

A poet friend

શ્રી પંચમ શુક્લ સાભાર આપે મોકલેલ શ્રી રાજેન્દ્ર શુક્લના બે સોનેટ તેમના કવિમિત્ર આદિલ સાહેબ માટે રજુ કરુ છું

http://mail.google.com/mail/?hl=en&tab=wm#inbox/124c9b3c6506edf3

આદિલ સાહેબની સ્મૃતિમાં –

અર્ઘ્ય 1 *
(સોનેટ)

હે  અગ્રયાયી પથ,  હે પ્રકાશ, 
સાતત્ય  કેવું  સર્જ્યું  અનન્ય,
જેનાં થકી આજ બધું ય ધન્ય,
માધુર્ય  હે,  મૂર્તિમતી  મીઠાશ !

ઊર્જા  હજી એમ જ  આજ અદ્ય,
પ્રજ્ઞા  પ્રવાહી  વળી  કેવી સદ્ય,
બધું   ય  જેનું  બસ  હૃદ્ય  હૃદ્ય,
ક્યારે ય  એ નહિ   ઓઝપાય !

ગોળાર્ધ જે અન્ય વસ્યું છતાં ય 
શ્વસ્યું  સદા  આંહિ, ન અંતરાય,
પ્રત્યક્ષ  એવું,   પળમાં  પમાય,
એકાંત  એ  મૌન  મહીં  સમાય.

અનશ્વરે  તો  નવ  હોય   અંત, 
તમે  હવે   વ્યાપક   દીપ્તિમંત….

 

રાજેન્દ્ર શુક્લ

 

(*આદિલ સાહેબને… 7.11.2008)

અર્ઘ્ય – 2
(સોનેટ)

ઊગ્યાં તમે ભીતરને પ્રતાપ, 
ઐશ્વર્ય એવે પ્રસર્યાં અમાપ, 
સુહાય જેવું નભ ઈન્દ્ર ચાપ !

અભૂતપૂર્વા ગતિ જે લહાય, 
યાત્રા તમારી જ્યહીં પૂર્ણ થાય, 
આરંભ ત્યાંથી જ નવા રચાય !

દેખાડ્યું એવું સહુને યથાર્થ, 
અનર્થથી ભિન્ન કર્યું જ સાર્થ, 
તમારી સંગે સઘળું કૃતાર્થ !

લહેરી રહ્યો જે અહીં કુંજ કુંજ, 
શાશ્વત તમે એહ પ્રકાશ પુંજ, 
શબ્દો શમે કિંતુ શમે ન ગુંજ…

કેડો હતો તે કીધ રાજમાર્ગ
એમાં વળી રમ્ય રચ્યો વળાંક !

– રાજેન્દ્ર શુક્લ

(*આદિલ સાહેબને… 11.11.2008)

Adil-Male-Chhe-2