સ્વર-દિલીપ ગજજર, સંગીત-નારાયણ ખરે, કોરસ સ્ટૂડીઓ
મિત્રો, લાડીલા આદિલ મન્સૂરી
આપણને મળ્યા, ૧૮ મે ૧૯૩૬ થી ૬ ઠ્ઠી નવેમ્બર ૨૦૦૮ સુધી
આજના દિવસે તેમને ગઝલાંજલિ અર્પણ કરીએ
અને તેમની યાદમાં જ તૈયાર થયેલ ઓડીયો રજુ કરું છું….
તો ચાલો સાંભળીએ તેમની એક જોરદાર ગઝલ !!!
લાગણીને આમ ના વિસ્તાર વચ્ચે આવશે…
લાગણીને આમ ના વિસ્તાર વચ્ચે આવશે
આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે
આંગણુ સંબંધનું કોરુ રહી જાશે અગર
એક દિ વરસાદ મૂશળધાર વચ્ચે આવશે
વચ્ચેની દિવાલ કેવી પારદર્શક છે હજી
પણ સમય વિત્યે સમયનો ક્ષાર વચ્ચે આવશે
તું બધું છોડીને ચાલી તો નીકળ પહેલા પછી
ડગલે ને પગલે ભર્યા ભંડાર વચ્ચે આવશે
કોના કોના આંગળાની છાપ છે ગરદન ઉપર
દોસ્તોના નામ વારંવાર વચ્ચે આવશે
આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે
આ ગઝલ ‘આદિલ’ હ્દય સોંસરવી ઉતરી જાય પણ
પંડિતોને પાઘડીનો ભાર વચ્ચે આવશે
આદિલ મન્સૂરી
આપણને મળ્યા ૧૮ મે ૧૯૩૬ થી ૬ ઠ્ઠી નવેમ્બર ૨૦૦૮ સુધી
આપણી ગુજરાતી ભાષાના માતબર આધુનિક ગઝલકાર જેણે ગુજરાતી ગઝલને ઉર્દૂ ગઝલોથીયે એક મુઠ્ઠી ઉચેરું સ્થાન અપાવ્યું એવા આપણા સૌના લાડીલા ગઝલકાર આદિલ મન્સૂરી જે આજે આપણી વચ્ચે નથી અને આ મહિનાની છ્ઠ્ઠી તારીખે એમની મરણતીથિ આવી રહી છે ત્યારે આપણી નૈતિક ફરજ બની રહે છે કે આપણે એમને સ્મરી લઈએ.વર્ષોથી આદિલ સાહેબનું અહીં ઈન્ગલેન્ડનું આગમન અહીંના કવિમિત્રો માટે એક અનેરા અવસર સમું હતુ. હું અને લેસ્ટરસ્થાયી મારા કવિમિત્ર દિલીપ ગજ્જર એમને એરપોર્ટ રિસીવ કરવા જતાં, અને આદિલ સાહેબ જેવા કારમાં બેઠક જમાવે કે પ્રથમ તરત પોતાની નહિ પણ અમારી ગઝલોની ખબર અંતર પૂછે પછી આખો માહોલ ગઝલમય બની જતો સો માઈલનો એમ વન રાજ્માર્ગ ક્યાં કપાઈ જતો તેનો ખ્યાલ સુદ્ધાં રહેતો ન હતો, અહીં યુ.કે.ના સહાયકોને ખૂબ પ્રેમપૂર્વક ગઝલપૂર્વક મળે મળે, સાંભળે ને લખનવી અંદાજ્માં દાદ પણ આપે. આમ એમના વારંવાર બ્રિટનના આગમનથી ઘણાં નવોદિતોને ગઝલ લખવાની પ્રેરણા મળી અને ગઝલસર્જન ની પ્રક્રિયા ચાલુ રહીછે. આ બધું એમનું પ્રદાન ફૂલીફાલી રહ્યું છે પરંતુ અફસોસ એ વાતનો કે હવે આપણી વચ્ચે એ ગઝલના ધુરંધર નથી. હવે એની ગઝલોના પડઘા કાને પડતા રહેશે પરંતુ ગુજરાતને હવે શાયદ આવો ગઝલકાર મળે ન મળે…..તો મિત્રો, એમની ગઝલને અંજલિરુપે કવિશ્રી દિલીપ ગજ્જરના સ્વરમાં સાંભળીઅએ,……લાગણીને આમ ના વિસ્તાર વચ્ચે આવશે, આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે
-બેદાર લાજપુરી,
જેઓ અચ્છા શાયર છે અને લેસ્ટર ગુજરાતી લિટરરી ગ્રુપ ઓફ લેસ્ટરના પ્રેસિડન્ટ પણ છે તેઓને આજે આદિલજિની અંજલીનો પરિચય આપ્યો યુટ્યુબની સમયમર્યાદાને કારણે તેમનો અવાજ ન મૂકી શકાયો તે દરગુજર કરશો…
શ્રી પંચમ શુક્લ સાભાર આપે મોકલેલ શ્રી રાજેન્દ્ર શુક્લના બે સોનેટ તેમના કવિમિત્ર આદિલ સાહેબ માટે રજુ કરુ છું
http://mail.google.com/mail/?hl=en&tab=wm#inbox/124c9b3c6506edf3
આદિલ સાહેબની સ્મૃતિમાં –
અર્ઘ્ય 1 *
(સોનેટ)
હે અગ્રયાયી પથ, હે પ્રકાશ,
સાતત્ય કેવું સર્જ્યું અનન્ય,
જેનાં થકી આજ બધું ય ધન્ય,
માધુર્ય હે, મૂર્તિમતી મીઠાશ !
ઊર્જા હજી એમ જ આજ અદ્ય,
પ્રજ્ઞા પ્રવાહી વળી કેવી સદ્ય,
બધું ય જેનું બસ હૃદ્ય હૃદ્ય,
ક્યારે ય એ નહિ ઓઝપાય !
ગોળાર્ધ જે અન્ય વસ્યું છતાં ય
શ્વસ્યું સદા આંહિ, ન અંતરાય,
પ્રત્યક્ષ એવું, પળમાં પમાય,
એકાંત એ મૌન મહીં સમાય.
અનશ્વરે તો નવ હોય અંત,
તમે હવે વ્યાપક દીપ્તિમંત….
રાજેન્દ્ર શુક્લ
(*આદિલ સાહેબને… 7.11.2008)
અર્ઘ્ય – 2
(સોનેટ)
ઊગ્યાં તમે ભીતરને પ્રતાપ,
ઐશ્વર્ય એવે પ્રસર્યાં અમાપ,
સુહાય જેવું નભ ઈન્દ્ર ચાપ !
અભૂતપૂર્વા ગતિ જે લહાય,
યાત્રા તમારી જ્યહીં પૂર્ણ થાય,
આરંભ ત્યાંથી જ નવા રચાય !
દેખાડ્યું એવું સહુને યથાર્થ,
અનર્થથી ભિન્ન કર્યું જ સાર્થ,
તમારી સંગે સઘળું કૃતાર્થ !
લહેરી રહ્યો જે અહીં કુંજ કુંજ,
શાશ્વત તમે એહ પ્રકાશ પુંજ,
શબ્દો શમે કિંતુ શમે ન ગુંજ…
કેડો હતો તે કીધ રાજમાર્ગ
એમાં વળી રમ્ય રચ્યો વળાંક !
– રાજેન્દ્ર શુક્લ
(*આદિલ સાહેબને… 11.11.2008)
આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે
આ ગઝલ ’આદિલ’ હ્દય સોંસરવી ઉતરી જાય પણ
પંડિતોને પાઘડીનો ભાર વચ્ચે આવશે
વાહ!
આદિલ સાહેબને બખૂબી ગઝલાંજલિ આપી.
દિલિપભાઈ,
તમે જે ભાઅવુકતાથી આઅદિલભાઈને અંજલી આપી છે આદીલભાઅઈની આત્મા જન્ન્ત્મા ખુશ થતી હશે..ગઝલમા તો કાઈ કહેવાપણુ નાહોય અને ગાયીકી મા કહેવાપણુ ન હોય મ્યુઝીઅ અને વિડિઓ પન એની ઉચ્ચતાની કક્ષાએ પહોંચ્યા છે આપને ખૂબ ખૂબ મુબાઅરક તમારી મહેનત કામમા બતાઇ રહી છે..
સપના
આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે
દિલીપભાઈ,
આદિલભાઈની આત્મા જન્ન્તમા ખુશ થતી હશે કે એમને તમાઅરા જેવા દોસ્ત મળ્યા અને અમે ખુશ છીએ કે તમારોબ્લોગ અમેને મળ્યો..આદિલભાઈની આ ગઝલ સોસરવી ઉતરી એમા ત્મારી ગાયીકી અને સંગીત બધએ રંગ રાખ્યો,,તમારી મહેનત સાફ બતાય છે..ખૂબ ખૂબ મુબારક..્સપના
આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે
આજ આપણે શું વાત કરીએ આદિલની?
શાન હતો એ હરએક શમા ને મહેફિલની..
અહિઁ જ ન્યુ જર્સી ખાતે જ એઓ રહેતા તો ય હું કમનસિબ એમને મળી ન શકેલ એનો વસવસો મને જીન્દગીભર રહેવાનો.
આપે એમની આ રચના આમ રજુ કરીને એમની પાક રૂહને જરૂર અમન બક્ષી છે.
આ સાથે લયસ્તરો પરની એક લિંક સામેલ છે જ્યાં આદિલ સા’બની ગઝલનો ગુલદસ્તો છે. અને મુલાકાતનો વિડીઓ પણ છે.
http://layastaro.com/?cat=43
વળી એઓ પોતે ગઝલગુર્જરીનું સંપાદન કરતા એની લિંક પણ નીચે મુજબ છે. જેના પરથી પિડીએફ ફોર્મેટમાં આપ અંકો વાંચી શકશો.
http://www.ghazalgurjari.com/
આપને ધન્યવાદ
આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે
આ ગઝલ ’આદિલ’ હ્દય સોંસરવી ઉતરી જાય પણ
પંડિતોને પાઘડીનો ભાર વચ્ચે આવશે
લાજવાબ કવિ અને લાજવાબ શેર. આદિલ સાહેબના કવનને સાંભળી-વાંચીને જો વાહ ન નીકળી જાય તો આપણે વિચારવું રહ્યું કે આપણી પાઘડી તો વચ્ચે નથી આવતી ને … તેમના સર્જનો એ જ તેમની મોટામાં મોટી ભેટ અને તેને આપણે માણીએ એ સૌથી મધુર અંજલિ.
દિલીપભાઈ, તમે પણ સુંદર લખ્યું કે
અહંકારી જગમાં કવિઓ મળે બહુ
નિરંકાર આકારે આદિલ મળે છે.
શ્રી દિલિપભાઈ
શબ્દો માં એટલી બધી ભીંનાશ ઘૂંટાઈને આપની ગઝલ નીતરી કે આપનું શ્રી આદિલભાઈ
સાથેનું તાદ્યાત્મ ચરમ સિંમાએ અનુભવ્યું.
આપનો તેમની સાથેનો ફોટો જોઈ એટલોજ આનંદ થયો.
શ્રી પંચમભાઈ અને શ્રી રાજેન્દ્ર શુક્લાજીની અંજલી ભીજવી ગઈ.
એક ગુજરાતી સ્વજન ,હૃદયથી ભરેલો ગૂંજેલો, સદા ગૂંજતો રહેશે.
નહી મારો ,નહીં તમારો ,આપણા સૌનો ,ઘરઘરનો આદીલ…નમન
Really true…
લહેરી રહ્યો જે અહીં કુંજ કુંજ,
શાશ્વત તમે એહ પ્રકાશ પુંજ,
શબ્દો શમે કિંતુ શમે ન ગુંજ…
કેડો હતો તે કીધ રાજમાર્ગ
એમાં વળી રમ્ય રચ્યો વળાંક !
– રાજેન્દ્ર શુક્લ
રમેશ પટેલ(આકાશદીપ)
૧૯૮૫ થી ૨૦૦૮ સુધી ન્યુ જર્સીમાં કેટલાય કાર્યક્રમ દરમ્યાન એમને મળવાના અને સાંભળવાના મોકા મળ્યા એ મારી ખુશનસીબી છે. છેલ્લે ચાલો ગુજરાત ના કાર્યક્રમમાં એમને સાંભળેલા. આજે એમની પહેલી પુણ્યતિથિ પર આપની આ અનોખી શ્રધ્ધાંજલી કાબિલે-તારીફ છે. એમની ગઝલનો થોડા મક્તા
તમામ ઉમ્ર મને જીંદગીએ લૂંટ્યો છે
મરણના હાથમાં પ્હોંચી હવે સુરક્ષિત છે
ગૂર્જરી એનો પ્રાણવાયુ છે
એ જો લઈ લો તો ટળવળે આદિલ
ગઝલ સારી લખો છો આમ તો આદિલ સદા કિંતુ
કસર બસ એટલી છે કે તમે ગાઈ નથી શકતા
અને દિલીપભાઈ તમે તો સારી ગઝલ પણ સારી લખો છે અને સારું ગાઈ પણ શકો છો. તો હવે તમારી જ ગઝલ તમારા કંઠે સંભળાવજો.
અભિનંદન અને આભાર ! અવસરને અનુરૂપ આ પહેલાંની એક રચના મૂકું છું
ગઝલકાર ‘આદિલ’જીને !
(સૉનેટ) [શીખરીણી]
નદીની રેતીમાં નગર રમતું જોઈ, તમને
જવાનું ના રુચ્યું; ભીની ભીની સુગંધો શ્વસનમાં
ભરી ઉંડી, જોઈ લીધ નજર મીઠી સ્વજનની,
ગ્રહી લીધું આંખે ઘર,ગલી,ભીંતો,બારી- સઘળું
વીચારી, કે સંધું ફરી કદી મળે કે નવ મળે !
તમે તો સંબંધો રડી રડી લીધા, એમ સમજી
મળેયે ના પાછા કબર થકીયે, આદિલ, ખરે !
તમે તો આંખોમાં હમસફર થાવા લઈ લીધા
ચહેરાઓ ! માથું કીધું વતનની ધુળથી ભર્યું !
તમે ઉપાડ્યો જે પગ ધરતીથી આ વતનની,
અને મેલ્યો એને નવતર ભુમીમાં જઈ, ભલે.
લીધું-દીધું જે કૈં વતનનું બધું ચોગુણ થયું !!
ભલે માનો માનો, ગયું બધુંય પાછું નવ મળે;
પરંતુ, જાણો,’એ’ ગયું ન; રહ્યું,મ્હોર્યું,હર પળે ?!
–જુગલકીશોર.
આ. જુગલાકીશોરજી , આપનો ખુબ ખુબ આભાર આપની આદિલજી માટેની રચાના ગમી અને ભાવાર્થ પણ સમજાયો .. ધન્યવાદ દિલીપ
આદિલ સાહેબની ગઝલને તો ખરા જ.. તમારી નિસ્બતને ય સલામ..
લતા હિરાણી
A very fitting tribute Dilipbhai. ‘Adil’ would have loved the gazal, I am sure.
In one of many touching shers, Adilsaheb’s ease with prose and life shines simultaneously— here it is;
આડે પડખે કબરમાં થા ‘આદિલ’
લે હવે પગ જરા પ્રસારી લે .
તમે વખાણ કર્યાં ? તો લો, આ હાઈકુ–પંચ !–
પાંચ આદિલ–વીરહહાઈકુઓ !
૧
આદિલ ગયા –
ભરચોમાસે કોરી
નદીએ રેત.
૨
આદિલ ગયા –
નગર મૌન; શબ્દો
ગઝલે દ્રવે.
૩
વતન માટે
રચી ગઝલો; હવે
‘વતન’ વાટે !!
૪
આદિલ ગયા
ગઝલે ભીનાં સૌનાં
આ દિલ, રહ્યાં !!
૫
કબર પર
ફુલોમાં ગઝલના
મહેકે શબ્દો.
વાહ જુગલભાઈ તમારી જુગલબંધ્ધીનો કોઈ પર્યાય નથી.
સરસ સોનેટ અને હવે હાયકુ !
શુભાન અલ્લાહ..
દિલિપભાઈ૧)ખુબજ કર્ણપ્રિય ગઈ છે ગઝલ, કવિતા અને ગાયકી સુમેળ બંધાયો છે.૨) રાજેન્દ્રભાઈના સોનેટ અને જેજેકિશોરનું સોનેટ બન્ને
યોગ્ય છે-અંજલિ સ્વરુપે.
તમારી મહેનત સ્લામને યોગ્ય છે.વેબ ઉપર આવી અંજલિ વાંચી નથી, જોઈ નથી.
Fine
excellent gujarati gazals poetry and songs and bhajans well done hope to hear more from you
શ્રી દિલીપભાઈ,
આપે મોકલાવેલ ગઝલ સાંભળી આદિલની યાદ આવી ગઈ.
બહુ ટુકા સમય માટે લગભગ એક્દ કલાક માટે આદિલને સાંભળવાનો
મોકો મળેલો.લોસ એન્જલસમાં. કાર્યક્રમમાં .મારું ૧૯૯૧ માં લખેલ
“અમેરિકા ની ઝાંખી’ તેમને વાચેલું.
આપે સુંદર શબ્દાવલી અને સ્વર સાથે અંજલિ અર્પી. હજુ નવો સવો છું
“ઉપાસના ને આરાધના થકી ગુજરાતી પિયાનો થઈ ગયો,
છ દશકા વીત્યા ને ” આદીલ ” સાઈઠ વર્ષનો થઈ ગયો.
આશા અને અભિલાષા થકી સ્વપ્ન આપનો અને
ગુજરાતી ગઝલો નો દીવાનો થઈ ગયો.,
“આવડ્યું તેવું લખ્યું છે આપણે શ્રી દીલીપજી,
નમસ્કાર કરે છે આપ ને આદિલને સ્વપ્નજી .”
શ્રીદિલીપભાઈ આપના હ્રદયમધ્યે માં ઉદ્ભવેલા ભાવોમાં સહભાગી બનાવી અમારી લાગણીને વાચા આપી …ખુબ ..ખુબ આભાર…આપને અને આદિલજીને સલામ.. .