
તમન્ના
મને ઇન્સાન થઈ સાચા જ જીવવાની તમન્ના છે
મળ્યા છે હાથ તો સત્કર્મ કરવાની તમન્ના છે
ફક્ત મારું અને હું હું કર્યે જગ બેસૂરું થાશે
બની બંસી અધર તારે જ બજવાની તમન્ના છે
નથી સાગર તળે જાવું શિખર પણ સર નથી કરવા
હદયની પાસ આવી પ્યાર ભરવાની તમન્ના છે
તમારાથી તમારી પ્રીતનું મુલ્ય અધિક લાગ્યું
લીધું જ્યાં નામ તારું ત્યાં જ મરવાની તમન્ના છે
તમન્ના ને નિકમ્મા કર દિયા કેવી તમન્ના છે ?
કિનારા પણ ડુબાડી દે જો ડૂબવાની તમન્ના છે
દિલોના દ્વેષભાવોને તજી જીવો ને જીવવા દો
બચી અણમોલ માનવતા તો જીવવાની તમન્ના છે
હજારો દ્વાર પર દસ્તક દીધા મેં શોધમાં તારી
ખુલે જો દ્વાર અંતરના તો ભજવાની તમન્ના છે
ધર્મના ક્ષેત્રમાં હર ક્ષેત્રમાં અંધાર જ્યાં દિલીપ
જગતના ‘કો ખૂણે અંધાર હરવાની તમન્ના છે
-દિલીપ ગજજર
મિત્રો, તમન્ના માસિક જો મંગાવવા ઈચ્છતા હો તો વધુ માહિતિ માટૅ સંપર્ક કરી શકો છો.