
પ્રિય મિત્રો, આજે આપની સમક્ષ બોલ્ટન ના શાયર જ. ‘મહેક’ ટંકારવીની ઉમદા ગઝલ રજુ કરુ છું..જેઓ યુ.કેમા રહી ‘ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ’ના માનદ સ્થાને રહી ગુર્જરી સાહિત્ય સેવાકાર્યમાં ચાર ચાર દાયકાથી અવિરત સંલગ્ન છે ગુજરાતી ભાષાન્તર અને ટાઈપસેટીંગ નું કાર્ય પણ તેઓ ઉત્તમ રીતે કરે છે. તો આવો આપણે તેમની ગઝલ માણીએ જે તેમના પ્યાસથી પરબ સુધી…સંગ્રહમાંથી લીધેલ છે….-દિલીપ ગજજર
કોણ મહેકાવી શકે ?
આ સફરમાં હોશિયારી કામ ના આવી શકે
પ્રેમમાં પાગલપણું રસ્તાઓ બતલાવી શકે
ધૂળ માથામાં અને આ ચીંથરેહાલી તો જો
કોણ જઈને તારા દીવાનાને સમજાવી શકે
ક્યાં છે એવા મરજીવા ડૂબીને જે તરતા રહે
બિંદુની ઓળખ કરાવી સિંધુ બતલાવી શકે
વાંસળીની જેમ ખાલી થઇ ગયા તો શું થયું
હોય છિદ્રો બંધ તો ના સૂર રેલાવી શકે
સંગમાં ખૂશબોના તો એ બે ઘડી મ્હેંકી ઉઠે
ફૂલ કાગળનું હો , કાયમ કોણ મહેકાવી શકે
ઘરના દરવાજા બધા ખુલ્લા મૂક્યા તો શુ થયું
દિલના દરવાજે હો તાળું, કોણ ત્યાં આવી શકે
ધૂળ એ રસ્તાની ઝીણી જેમણે કીધી ‘મહેક’
એજ રસ્તો તમને એના ઘરનો બતલાવી શકે
-મહેક ટંકારવી
gwg@mahek.co.uk, પ્રકાશિત કાવ્ય સંગ્રહ -પ્યાસ (૧૯૭૨), તલાશ (૧૯૮૦) અને,…પ્યાસથી પરબ સુધી (૨૦૦૬)