હવાને હાથ શું આવ્યું દીપક મારો બુઝાવીને

જીવન કોઇવાર તેનું કારમું વિકરાળ સ્વરુપ આપણે બતાવે છે ત્યારે માનવ વિકટ સંજોગોમાં સપડાય જાય છે ત્યારે કોઈ પડખે ઉભુ રહેનાર શોધ્યું નથી જડ્તું ત્યારે મહેફિલની વાહ્વાહ કે વિવેચકોનો ચંચૂપાત કે નોંધ લેનાર સાહિત્યકાર પણ ત્યાં નથી હોતા સમાજ સુધારકો લોકો ધર્મધુરંધર ઉધારકો કોઈ નથી હોતા કે મફતિયા સલાહ દેનારાં..ન સહેવાય ન રહેવાય તેવી ભરખી લેનારી એકલતા માત્ર હોય છે… તેવી ઘટ્ના હદય પર છોડી જાય છે એક અસરકારક અનુભવ અને કદી તેવા અનુભવમાંથી સર્જાય છે કાવ્ય તે કવિને આપણને કશું કહી જાય છે…..

ગઝલ

હવાને હાથ શું આવ્યું દીપક મારો બુઝાવીને

અમે રસ્તે  કરી ‘તી રોશની ખુદને જલાવીને

તમારી  હાજરીમાં મોસમોનાં  રંગ બદલાતા

હવે તો પાનખર સુક્કી સરે આંસુ  વહાવીને

રહે ક્યાં પ્યાર તારા પર કરી ધન વિશ્વનું ભેગું

કરે જ્યાં માંગણી લોકો  તને મસ્તક નમાવીને

જીવન લીલું બનાવી નમ્ર થઇ આભાર ના માંગે

તને  કઈ  ભાન આવ્યું  માનવી  વૃક્ષો  કપાવીને

કરે છે વૃક્ષની વાતો ‘કા   થડને  મૂળથી  કાપી

બુરી દાનત હશે તેની ફળો પર હક જમાવીને

હજી વિશ્વાસ જ્યાં બેઠો પ્રભુ ને માનવી ઉપર

કરે છે   જુલમ  કેવા  મુજની  શ્રદ્ધા  ઉડાવીને

કદી ભોંયે પડયાને આભની વાતો નહી શોભે

ધરાને ભાર  લાગે  પાપનો  બોઝો  ઉઠાવીને

ચહાના કપ પુરતી  ચાહની  વાતો  ઉપરછલ્લી

કશો  ના બોધ પામ્યાં તત્વની ચર્ચા  લંબાવીને

જીવનના ઉત્સવોના ગીત જો પંખી સદા ગાતા

તને ગીતો સ્ફુરે ક્યાંથી  જીવન  તેનું  હણાવીને

ડૂબેલો  માનવી  છું આપ ચાહો તો ડુબાડી  દઉં

કિનારે હાથ શું આવ્યું ‘દિલીપ’ જીવન વિતાવીને

-દિલીપ ગજજર

21 thoughts on “હવાને હાથ શું આવ્યું દીપક મારો બુઝાવીને

 1. હવાને હાથ શું આવ્યું દીપક મારો બુઝાવીને
  અમે રસ્તે કરી ‘તી રોશની ખુદને જલાવીને
  >>>><<<<<<
  Dilipbhai….Very Nice …One of your BEST !
  I really enjoyed.
  Nice opening lines !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Dilipbhai Thanks for your Comment for LUNGS…may be REVISIT & read on HEART too
  Happy trip to India !

 2. હવાને હાથ શું આવ્યું દીપક મારો બુઝાવીને
  અમે રસ્તે કરી ‘તી રોશની ખુદને જલાવીને

  કેટ્લો સરસ શે’ર થયો!! આમ તો આખી ગઝલ સરસ થઈ છે આ શે’ર ગમીગયો…હા ઘણી વખત વગર કારણે બીજાના જીવનમા પથ્થર ફેંકવાનો લોકોને શોખ હોય છે જીવન સ્થીર પાણી જેવું ન રેહવુ જોઇએ એમાં વમળ લાવે…ભલે હવાને હાથ કાઈ ન આવ્યુ પણ વિઘ્નસંતોષિઓએ તાળિઓ પાડીને..કોઇનુ વિખેરવામા વધારે રસ હોય છે સુધારવા કરતાં..પણ કર્મ કિયે જા ફલકી ઈચ્છા ન કર..
  સપના

 3. ડૂબેલો માનવી છું આપ ચાહો તો ડુબાડી દઉં
  કિનારે હાથ શું આવ્યું ‘દિલીપ’ જીવન વિતાવીને
  સપના સાથે હું સહમત છું.સરસ ભાવ ભરી ગઝલ.

 4. મજાની ગઝલ.

  હદયને ભાવથી ભરી દે અને માનવીય સંવેદના ઝીલતી

  આ ગઝલ ના એક એક શેર પર દાદ આપવાનું મન થઈ ગયું

  શ્રી દિલીપભાઈ ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. હવાને હાથ શું આવ્યું દીપક મારો બુઝાવીને
  અમે રસ્તે કરી ‘તી રોશની ખુદને જલાવીને

  mane pan badhani jem aa sher bahu gamyo.

  Lata HIrani

 6. દસ શેર માં ઘણી ઘણી બાબતોને તમે સાંકળી લીધી છે… અને દસ શેર બન્યા હોવા છતાં છેક સુધી ભાવ જાળવી રાખ્યો છે. દીલીપભાઇ તમે પોતે કલ્પનાશીલ માણસ છો..ચિત્ર સાથે સંકળાયેલા છો…અને એટલે આટ્લો સારો ભાવ આવી શક્તો હશે.. અભિનંદન…

 7. લાગણીશીલતા કવિતાની પ્રથમ શરત છે.
  જેના હૈયે અન્યના દર્દને અનુભવી શકવાની સંવેદનાઓ વસી હોય એજ અભિવ્યક્તિમાં એને ઘૂંટી શકે.
  દિલીપભાઈ,
  સુંદર રચના અને ભાવ સાતત્યબદલ અભિનંદન.

 8. હવાને હાથ શું આવ્યું દીપક મારો બુઝાવીને
  અમે રસ્તે કરી ‘તી રોશની ખુદને જલાવીને
  કાબિલે તારીફ શેર … અન્ય શેર પણ ખુબ ગમ્યા.

  ચહાના કપ પુરતી ચાહની વાતો ઉપરછલ્લી
  કશો ના બોધ પામ્યાં તત્વની ચર્ચા લંબાવીને..
  લંબાવીને- માં છંદ-માત્રામેળ તૂટતો લાગે છે…
  એકદંરે સુંદર ગઝલ. હવે તમારા સ્વરમાં ક્યારે મુકો છો.

 9. દિલિપભાઈ,

  વાહ! ખુબજ સરસ ગઝલ બની છે, બધાજ શેર ખુબજ સરસ બન્યા છે…
  પણ મને શરુઆત(મત્લા) અને અંત(મક્તા) ના શેર વધુ ગમ્યા

 10. દિલીપભાઇ,

  ગઝલ તો આખી વાંચી ગયો અને ધરાયો નહિ તો કોમેન્ટ્સ પણ જોઈ વળ્યો. ગઝલની સફળતાની પારાશીશી એ કે વાંચક પોતાની પસંદનો એક એક શે’ર પોતાના ખોળામાં ભરતો જાય અને એવું પણ બને કે ગઝલની રૂહ (આત્મા) સમાન કોઈ એક શે’રના ચાહક તો ઘણા મળી આવે! આ ગઝલનો પ્રારંભનો જ શે’ર બેમિસાલ રહ્યો છે.

  “હવાને હાથ શું આવ્યું દીપક મારો બુઝાવીને
  અમે રસ્તે કરી ‘તી રોશની ખુદને જલાવીને”

  દુનિયામાં એવા વિઘ્નસંતોષીઓ પણ હોય છે કે પોતાને કોઈ લાભ થતો ન હોય તો પણ બીજાઓને માત્ર નુકસાન કરવામાં પણ એમને આનંદ આવતો હોય છે.

  આપે હવાને મીઠો ઠપકો તો આપ્યો કે જેથી હોલવાઈ ગએલા દીપકના દુ:ખનો ભાર થોડોક હળવો થાય, પણ એની હરકતને દિલથી તો માફ નહિ જ કરી શકાય કેમકે એ દીપકની રોશની તો ખુદને જલાવી નાખવાના બદલામાં પ્રાપ્ત થઈ હતી!

  ગઝલના પ્રારંભે જ ઉપરોક્ત ‘શે’ર મૂકીને આપે ગઝલનું અડધું કામ તો ત્યાં જ પૂરું કરી દીધું! અંગ્રેજીમાં કહેવાય પણ છે ને કે “A good beginning is half done!”

  અભિનંદન.

 11. ખૂબજ સુંદર દર્દીલી ગઝલ, વાંચી મઝા માણી.

  “હવાને હાથ શું આવ્યું દીપક મારો બુઝાવીને
  અમે રસ્તે કરી ‘તી રોશની ખુદને જલાવીને ”

  “ધરાને ભાર લાગે પાપનો બોઝો ઉઠાવીને”

  “તને ગીતો સ્ફુરે ક્યાંથી જીવન તેનું હણાવીને”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s