વાંસલડી ડોટ કોમ- કૃષ્ણ દવે-વીડીઓ

ગુર્જરી  ગુજરી જશે તેવું ન હું કલ્પી શકું

જેમ મા  જાશે મરી એવું ન હું કલ્પી શકું
-દિલીપ ગજજર

 

મિત્રો આપની સમક્ષ  કૃષ્ણ દવે રજુ કરે છે, વાંસલડી ડોટ કોમ.
આશા છે આપ પ્રતિભાવ આપી તેમને બિરદાવશો…
ફોટો કેમેરામા રેકોર્ડીગ હોવાથી વિડીઓ કરતાં ઓડીયો ની ગુણવત્તા વધુ સચવાઈ છે

ગઈ કાલે જ લેસ્ટરના સનાતન મંદિરના હોલમાં લેસ્ટરગુર્જરી દ્વારા યોજાયેલ કવિ સંમેલનમાં કૃષ્ણ દવે એ પોતાની ઉત્તમ રચનાઓના કાવ્ય્પાઠ કરી મોટી સંખ્યામાં ઉપસ્થીત શ્રોતાઓના દિલ ડોલાવી દીધાં હતા..ત્યારે મંદિરમા બિરાજમાન કાનજી પણ..નાચી ઉઠ્યાં હશે તેવું વાતાવરણ સર્જાયું હતું…દિને દિને નવમ નવમ નમામિ નંદ સમ્ભવમ
લેસ્ટરના કવિ સંમેલનનો વિગતવાર અહેવાલ તૈયાર થતા જ અહીં રજુ કરવામાં આવશે…
શોભાબેન જોષીએ સુંદર સન્ચાલન કર્યુ હતું..


વાંસલડી  ડૉટ કોમ,  મોર્પિચ્છ ડૉટ કોમ,  ડૉટ કોમ વૃન્દાવન  આખું
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમા રાખું

ધારો  કે  મીરાબાઈ  દોટ કોમ  રાખીએ તો  રાધા  રિસાય  એનું  શું  ?
વિરહી ગોપીનું  ગીત એન્ટર કરીએ ને ક્યાંક  ફ્લોપી  ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોણે છોડું ને કોણે ચાખું ?
કાનજીની વેબસાઈટ …
ગીતાજી  દોટ  કોમ  એટલું  ઉકેલવામાં  ઉકલી ગઈ  પંડિતની  જાત
જાત  બળી જાય છતાં ખ્યાલ ના રહે એ જ  માણે આ પૂનમની રાત
તુલસી, કબીર, સુર, નરસૈયો થઈએ તો ઊકલે છે  કંઈક કંઈક  ઝાંખું.
કાનજીની વેબસાઈટ …..
એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના  સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઈરસ ભૂંસી  શકવાના જેના ચીર પૂરી  આપે  ઘનશ્યામ ?
ઈન્ટરનેટ  ઉપર એ થનગનતો  આવે, હું કોઈ દિવસ વિન્ડો ના  વાખું.
કાનજીની વેબસાઈટ……

 

 

આવ શબ્દની પાસે, with Krushna Dave in Leicester

મિત્રો, આજે આપની સમક્ષ કૃષ્ણ દવેનું કાવ્ય રજૂ કરું છું અને તેમને પણ લેસ્ટર શહેરના શ્રોતાઓ સમક્ષ રજૂ કરું છું  જેથી આનંદ બેવડાયો છે  કિંચીત ગુર્જરીનું કાર્ય કર્યાનો સંતોષ થશે  અનેક મિત્રોનો સહકાર સાંપડ્યો છે ને વધુ સાંપડે તેવી આશા છે જેથી કાર્યક્રમનો લાભ વધુ ને વધુ લોકોને મળી રહે તે જ અપેક્ષા  -દિલીપ ગજજર,

આવ શબ્દની પાસે ,

એક જ પળમાં આખા ભવનો થાક ઉતરી જાશે

આવ શબ્દની પાસે.


આવ તને હું યાદ કરાવું તારે હોઠે બોલાયેલા

સૌથી પ્હેલાં એક શબ્દને;

આવ તને હું યાદ કરાવું હૂંફાળા ખોળે ઉછરેલા

માં જેવા એ નેક શબ્દ ને;

આવ અહીં જો કાલાઘેલા શબ્દો સ્વયમ પ્રકાશે.

આવ શબ્દની પાસે


બાળક જેવા શબ્દો  પાસે  પથ્થર પાણી પાણી

ભીતરનો અકબંધ ખજાનો ખોલી આપે વાણી ,

પછી મૌનના મહાસમંદરમાં ભળવાનું થાશે.

આવ શબ્દની પાસે.

-કૃષ્ણ દવે

તેમના ‘વાંસલડી ડૉટ કૉમ’ કાવ્યસંગ્રહમાંથી સાભાર.

Leaflet Design by Dilip Gajjar

જૂઠનો સંસાર છે

જૂઠનો   સંસાર   છે

તોય  અમને પ્યાર છે

દિવ્ય ક્યાં પરિવાર છે

વેર   ને   ધિક્કાર  છે

સૌ સબંધો  સ્વાર્થના

કોણ  કોનો  યાર  છે

એ જ માણસ છે સુખી

દ્વંદ્વની   જે   પાર  છે

સાધુ  નામે  વાણિયો

ધર્મનો    વેપાર   છે

શીષ  કેવળ  છે નમ્યું

અલ્પ ક્યાં આચાર છે

શીલ  જ્યાં ચાલી ગયું

સત્યને  શી  વાર   છે

પંથ  પર  પ્રમાદ  તો

મોતને  શી  વાર  છે

સત્ય ‘દિલીપ’ જો કહો

દુશ્મનો   હજ્જાર   છે


-દિલીપ ગજજર

લેસ્ટર

આ પ્રેમના પ્રવાહે તુજને ભીંજાવ્યો કોણે ?

મિત્રો, આપની સમક્ષ મારી એક રચના રજુ કરું છું આશા છે આપને ગમશે
આપણે જ્યારે આ જગત અને જીવન અને આપણા દેહ તરફ નજર કરી એક માનવ તરીકે વિચારીએ ત્યારે આસ્ચર્યમાં ગરકાવ થયા વિના નથી રહેવાતું અને જેને આ સર્જન કર્યુ તેને કૃતજ્ઞભાવે નત મસ્તક થયા વિના નથી રહેવાતું કેમ ?તો તેના અનન્ત કારણો આપણને મળી આવશે અને આપણી પોતાના તરફ જીવન તરફ જગત તરફ અરે પરમાત્મા તરફ જોવાની દૃશ્ટિ પણ બદલાઈ જશે હદય ભાવ અને ભક્તિથી છલકાઈ જશે .આપણે શું ઈશ્વરને તેના મંદિરમાં દાન કરવાના ?જ્યારે તેને જ આપણા પર કેટલા દાન કરી ઉપકાર કર્યા છે !!અને પ્રેમના પ્રવાહમાં સતત ભીંજાવતો રહે છે…

આ દેહ ખૂબ  સુંદર  તારો બનાવ્યો  કોણે

શ્વાસો ભરીને અંદર તુજને ચલાવ્યો  કોણે

વિચાર કર જરા તું ખુદને ગણે જો માનવ,

આ પ્રેમના પ્રવાહે  તુજને ભીંજાવ્યો કોણે

કઈ ભાન ઊંઘમાં ના કઈ યાદ પણ રહે ક્યાં

મીંચાય  જાય આંખો જીવન પછી રહે ક્યાં

સ્મૃ તિના  દાન દઈને તુજને જગાડ્યો કોણે

આ પ્રેમના  પ્રવાહે તુજને  ભીંજાવ્યો  કોણે

વિધવિધ વાનગીના ભોજન બહુ જ ભાવે

ખાધેલ  ના પચે  તો આ  દેહ  કેમ  ચાલે

શક્તિના દાન દઈને તુજને જમાડ્યો કોણે

આ પ્રેમના પ્રવાહે તુજને ભીંજાવ્યો  કોણે

દિનભરના  થાકથી તો આ દેહ ખુબ થાકે

રાતે  ના ઊંઘ આવે  શું હાલ  તારા  થાયે

શાંતિના દાન દઈને તુજને સુવાડ્યો કોણે

આ પ્રેમના પ્રવાહે તુજને ભીન્જાવ્યો કોણે

કૃતજ્ઞ  થઇ પ્રભુનું સ્મરણ  કદી ન  ચૂકતો

નિષ્કામ કામ ‘દિલીપ’ કરવાનું તું ન ભૂલતો

જીવનના દાન દઈને તુજને જીવાડ્યો કોણે

આ  પ્રેમના પ્રવાહે તુજને ભીંજાવ્યો  કોણે


દિલીપ ગજજર,લેસ્ટર


 

રસ્તે મળી’તી રોશની ઝંખવાઈ ક્યાં ગઈ

મિત્રો, આપની સમક્ષ રજુ કરુ છું એક ગઝલ જે હાલમાં જ આ માસના તમન્ના માસિક માં કવિતાની કેડીએ વિભાગમાં તંત્રી તુરાબ આઝાદ દ્વારા પ્રસિદ્ધ થઈ છે. તેઓ મને તમન્ના પરિવારના મિત્ર તરીકે અપનાવે છે માટે ખુબ આનંદ થાય છે આપ પણ ચાહો તો આ સાહિત્યનું માસિક બંધાવી શકો છો અને આપણી ગુર્જરીનું જતન કરી શકો છો.આ જ અંકમાં અન્ય સાહિત્યમિત્ર સપના વિજાપુરાની પણ ગઝલ રજુ થઈ છે તેમને પણ અભિનંદન પાઠવું છું તેઓ તમન્ના નિયમિત મંગાવે છે અને વાંચે છે.ગત માસે જ તમન્ના કાર્યાલયે  કૃષ્ણ દવે સાથે જવાનું થયેલું ત્યારે ત્યાંના કવિ મિત્રો  અને શ્રોતાઓ વચ્ચે કાવ્યપાઠનું આયોજન તેઓએ કરેલું  તે પણ આ અંકમા દર્શાવેલ છે તે અત્રે રજુ કરુ છું આ ઉપરાંત અમે બન્ને શ્રી તુરાબ હમદમની  મહેમાનગતિ અને પ્રેમભાવથી પરિપ્લાવિત થયાં હતા જે  કદી ભૂલી શકાય તેમ નથી. ખરેખર તો આ તેમનો સાહિત્યપ્રેમ અને કુતૂબ આઝાદનો ભવ્ય વારસો અને તેમના સેવાકાર્યનો જ જાણે અનુભવ માણ્યો હોય તેમ લાગ્યું.તેઓને મે કવિમિત્ર સપના વિજાપુરાના ‘ખૂલી આંખના સપના’ની ૨૫ પ્રત આપી જે સ્થાનિક કવિઓને ભેટરુપે આપી શકે.

ગઝલ પઠનનો કાર્યક્રમ તા. ૧૯.૬.૨૦૧૦ ને શનિવારના રોજ રાત્રે ૯.૩૦ કલાકે ‘તમન્ના’ના ઉપક્રમે લંડનથી પધારેલા કવિશ્રી  દિલીપ ગજ્જર તથા અમદાવાદથી ખાસ પધારેલા કવિશ્રી કૃષ્ણ દવેની કવિતા પઠનનો એક કાર્યક્રમ ‘તમન્ના’ કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો. બન્ને કવિ મિત્રોએ શ્રોતાઓને રસતરબોળ કરયા હતા. સ્થાનિક કવિ મિત્ર શ્રી શિવજી રુખડા, શ્રી સુલતાન લોખંડવાલા, શ્રી સ્નેહી પરમાર, શ્રી ચન્દ્રહાસ બસિયા તથા શ્રી તુરાબ ‘હમદમે’ પોતાની ગઝલ રજુ કરી દાદ મેળવી હતી.કવિ શ્રી દિલીપ ગજજર તથા કવિ શ્રી કૃષ્ણ દવેનું મેઘાણી સાહિત્ય વર્તૂળ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. રાત્રે ૧૨.૩૦ કલાકે કવિતા પઠનનો આ સુંદર કાર્યક્રમ સંપન્ન થયો હતો.


ગઝલ

રસ્તે મળી’તી રોશની ઝંખવાઈ ક્યાં ગઈ

ઝ્ળહળ થતી એ જયોત પણ બુઝાઈ ક્યાં ગઈ

તે દૂર તોયે ચીત્તને પરિચીત લાગતી,

મારાથી કોણ જાણે એ શરમાઈ ક્યાં ગઈ

મંજિલ અમારી એક ને સરખી દિશા હતી

મનગમતી વ્યક્તિ રાહમાં સંતાઈ કયાં ગઈ

જેની ઝલક થકી જ ગઝલ પાંગરી હતી,

દઈ દાદ તે અધ મહેફિલે ખોવાઈ ક્યાં ગઈ

દિલથી નવાજી, પૂષ્પથી ઊંચાઈ આપી’તી

જેને મનાવી ભાવથી રીસાઈ ક્યાં ગઈ

આંખોથી ઊતરી જે છબી દિલમાં વસી ‘દિલીપ’

વાચા મળી’તી હોઠને સીવાઈ ક્યાં ગઈ

-દિલીપ ગજજર, લેસ્ટર