આ પ્રેમના પ્રવાહે તુજને ભીંજાવ્યો કોણે ?

મિત્રો, આપની સમક્ષ મારી એક રચના રજુ કરું છું આશા છે આપને ગમશે
આપણે જ્યારે આ જગત અને જીવન અને આપણા દેહ તરફ નજર કરી એક માનવ તરીકે વિચારીએ ત્યારે આસ્ચર્યમાં ગરકાવ થયા વિના નથી રહેવાતું અને જેને આ સર્જન કર્યુ તેને કૃતજ્ઞભાવે નત મસ્તક થયા વિના નથી રહેવાતું કેમ ?તો તેના અનન્ત કારણો આપણને મળી આવશે અને આપણી પોતાના તરફ જીવન તરફ જગત તરફ અરે પરમાત્મા તરફ જોવાની દૃશ્ટિ પણ બદલાઈ જશે હદય ભાવ અને ભક્તિથી છલકાઈ જશે .આપણે શું ઈશ્વરને તેના મંદિરમાં દાન કરવાના ?જ્યારે તેને જ આપણા પર કેટલા દાન કરી ઉપકાર કર્યા છે !!અને પ્રેમના પ્રવાહમાં સતત ભીંજાવતો રહે છે…

આ દેહ ખૂબ  સુંદર  તારો બનાવ્યો  કોણે

શ્વાસો ભરીને અંદર તુજને ચલાવ્યો  કોણે

વિચાર કર જરા તું ખુદને ગણે જો માનવ,

આ પ્રેમના પ્રવાહે  તુજને ભીંજાવ્યો કોણે

કઈ ભાન ઊંઘમાં ના કઈ યાદ પણ રહે ક્યાં

મીંચાય  જાય આંખો જીવન પછી રહે ક્યાં

સ્મૃ તિના  દાન દઈને તુજને જગાડ્યો કોણે

આ પ્રેમના  પ્રવાહે તુજને  ભીંજાવ્યો  કોણે

વિધવિધ વાનગીના ભોજન બહુ જ ભાવે

ખાધેલ  ના પચે  તો આ  દેહ  કેમ  ચાલે

શક્તિના દાન દઈને તુજને જમાડ્યો કોણે

આ પ્રેમના પ્રવાહે તુજને ભીંજાવ્યો  કોણે

દિનભરના  થાકથી તો આ દેહ ખુબ થાકે

રાતે  ના ઊંઘ આવે  શું હાલ  તારા  થાયે

શાંતિના દાન દઈને તુજને સુવાડ્યો કોણે

આ પ્રેમના પ્રવાહે તુજને ભીન્જાવ્યો કોણે

કૃતજ્ઞ  થઇ પ્રભુનું સ્મરણ  કદી ન  ચૂકતો

નિષ્કામ કામ ‘દિલીપ’ કરવાનું તું ન ભૂલતો

જીવનના દાન દઈને તુજને જીવાડ્યો કોણે

આ  પ્રેમના પ્રવાહે તુજને ભીંજાવ્યો  કોણે


દિલીપ ગજજર,લેસ્ટર


 

13 thoughts on “આ પ્રેમના પ્રવાહે તુજને ભીંજાવ્યો કોણે ?

 1. દિલીપભાઈ બહુ સરસ ત્રીપદી ગઝલ થઈ!અને જે ચોથી લાઇન લિધી તે દરેક શેરને સાચો ઠરાવે છે..આમેય તમારાં પ્રભુ માટેના વિચારો પહેલેથી મને ગમે ભકતી તમારામાં છે શબ્દોથી મહેકતી કરી.
  સપના

 2. આપણે એમ માની તો લઇએ કે, અપેક્ષા જ જીવનના બધા દુઃખોનું મુળ છે. પણ આપણે અપેક્ષા વીશે વીચારવું હોય, તો જીવની ઉત્પત્તી વીશે થોડું વીચારવું જોઇએ.
  ગર્ભાવસ્થામાં માના પેટમાં શીશુ સાવ પરતંત્ર અને નીષ્ક્રીય હોય છે. તેનું પોષણ અને વૃધ્ધી માના લોહીથી થાય છે. તેને ખોરાક , પાણી અને હવા કાંઇ જ જરુરી નથી. કોઇ ઉત્સર્ગ પણ થતા નથી. બધું જ માના લોહીના માધ્યમથી થઇ જાય છે. એ અંધાર કોટડીમાં અવાજ અને સ્પર્શ સીવાય કોઇ ઇન્દ્રીયજ્ઞાન હોતું નથી. એક માત્ર કામ કરતું અંગ તે હૃદય હોય છે; જે શીશુના શરીરમાં લોહીને ફરતું રાખે છે. કોઇ વીચાર પણ કદાચ હોતા નથી. જીવનની આ સાવ શરણાગતી ભરેલી અવસ્થા હોય છે.
  હવે માતાની ભુમીકા જોઇએ; તો તે અભાન પણે ગર્ભસ્થ શીશુનું સંવર્ધન કર્યે જાય છે. શરણાગતીએ આવેલા નવા જીવનું તે જતન કરે છે. જીવન-સર્જક જનેતાનું અસ્તીત્વ જ શીશુની જરુરીયાતો સ્વયં-સંચાલીત રીતે સંભાળી લે છે. તેની રુચીઓ બદલાતી જાય છે. ભૃણની વૃધ્ધીમાં બાધક હોય, તેવો ખોરાક તેને પચતો નથી. બાળકને જન્મ આપ્યા બાદ માતાના સ્તનમાં પોષણ માટેની વ્યવસ્થાની તૈયારી થવા માંડે છે. પરમ તત્વે નવા જીવની ઉત્પત્તી માટે તેના સમગ્ર શરીર, મન અને પ્રાણને સજાગ કરી દીધેલાં હોય છે.
  માટે જ ઇશ્વર જો હોય તો તે મા જેવો હોવો જોઇએ.
  જન્મ થતાં જ તે સહારો મળતો બંધ થઇ જાય છે. નાયડો કે ગર્ભપોષક નળી (umbilical cord) છેદાઇ જતાં જ આ વ્યવસ્થાનો અંત આવે છે. અંધકારમાંથી પ્રકાશમાં અવતરણ થતાં જ જ્ઞાન આવવા માંડે છે. અને જીજીવીષાની પ્રક્રીયા શરુ થઇ જાય છે. હવે પહેલો શ્વાસ જાતે ભરવો પડે છે. બાળકના મોંને માતાના સ્તન પાસે રાખતાં જ હોઠ હાલવા માંડે છે. આ સૌથી પહેલા સંઘર્ષની શરુઆત. નવા અવાજો, નવા સ્પર્શો, નવા સ્વાદ, નવી ગંધ. આંખો ખુલતાં નવાં દર્શનો સતત નવી સંવેદનાઓ સર્જતાં જાય છે. મન તેની પ્રાથમીક અવસ્થામાં પણ આ બધાનું અર્થ ઘટન કરવા માંડે છે, સમજવા માંડે છે અને નવા ગમા અને અણગમા સર્જતું જાય છે. અને આમ સ્વભાવ બંધાવાની પ્રક્રીયા ચાલુ થઇ જાય છે.
  આ પ્રક્રીયા જીવનભર ચાલુ રહેવાની છે. સંવેદનાઓ, તેનું અર્થઘટન, પ્રતીક્રીયા; ગમો, અણગમો, રુદન અને હાસ્ય; વર્તન, વાણી અને વીચારોનું અનુકરણ; નવું જ્ઞાન અને તેનાથી સર્જાતા નવા સુખો અને દુઃખો. એક પછી એક મહોરાં મળતાં, ઘડાતાં જાય છે. અને દરેક સંજોગનું અર્થઘટન નવી અપેક્ષાઓ સર્જતું જાય છે. આમ અપેક્ષાઓ તો આપણા સ્વભાવનો અવીભાજ્ય અંગ છે.
  આ છે આપણી ઉત્પત્તી સાથે મળેલી આપણી નીયતી. આથી કોઇ આપણને સુફીયાણી સલાહ આપે કે, અપેક્ષાઓ રાખવાનું છોડો; તો તે શક્ય જ નથી. એ તો આપણા સ્વભાવ, આપણા દેહ, આપણા મન, આપણા સમગ્ર હોવાપણા સાથે, આપણા ધર્મ કે પોત સાથે વણાયેલું છે.

 3. આ દેહ ખૂબ સુંદર તારો બનાવ્યો કોણે
  શ્વાસો ભરીને અંદર તુજને ચલાવ્યો કોણે
  વિચાર કર જરા તું ખુદને ગણે જો માનવ,
  આ પ્રેમના પ્રવાહે તુજને ભીંજાવ્યો કોણે
  ……………..
  વિધાતા કે પરમેશ્વર કે આ બ્રહ્માંડના અધિષ્ઠાતાની ,જ્યાં જ્યાં નજર કરો,
  માપી કે ગણી ના શકાય એવી અજાયબીઓ છે.ઈંડાનો જીવ અંદર કૉઈ વાતાવરણ નથી ને
  બહાર આવી શ્વાસ લે તોજ જીવે, કેવી અદભૂત કરામત.
  દિલીપભાઈ આપનો માંહ્યલો પરદેશની ધરતી પર પણ એજ સંસ્કારથી ધબકી કવનમાં
  મહેકી રહ્યો છે.આપે સંગીત સાથે ગાન અને સપનાબેનના પુસ્તકના કવર પેઝ સાથે
  તેમની રચનાઓને પુસ્તક સ્વરૂપે સૌ સમક્ષ પ્રસ્તુત કરવામાં મદદ કરી.વતનની વાટે
  જઈ પરત આવી ગયા એ કોમેન્ટ પણ ચંદ્રપુકારમાં વાંચી,ખૂબ જ અભિનંદન તમારી
  મનગમતી પ્રવૃતિ માટે અને સાલસતા માટે.
  રમેશ પટેલ(આકાશદીપ)

 4. દિલિપભાઈ, આપે તો ટેલીપથી દ્વારા મારા અંતરઆત્માના છુપા વિચારો સુંદર રીતે રજુ કર્યા, ખરેખર અભિનંદનને પાત્ર રચના છે, ક્યારેક કોઈ લેખમાં ઉપયોગ કરી લઈશ…….ભલે આપ ના પાડો…આવી સુંદર શિખામણ તો ચોરી લેવી જોઈએ ને !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s