બલિદાનો દીધાં છે તેમને સો સો સલામી છે

મિત્રો, આજના દિને નિમિત્તે રજુ કરુ છું એક ગઝલ..સ્વાતન્ત્ર્ય મળી ગયું કે મેળ્વ્યુ ?જો મળી ગયુ એમ માનીએ તો તેનું મૂલ્ય ન સમજાય, પણ મેળવ્યું છે અને તે માટે જવાનોએ શી શી યાતના સહી છે તે જો સ્મરવામા આવે તો ? ચાલો આજે શહીદોને યાદ કરી સલામી દઈએ…

ખીલ્યા છે મૂક્ત ફુલો બાગમાં ચહેરા ગુલાબી છે

નથી  ગુલામ કોઈ જિંદગી કેવી  મજાની  છે

વતન  સંગ્રામની ભૂલાય ના તેવી કહાણી છે

બલિદાનો દીધાં છે તેમને સો સો સલામી છે

અમે   સૌ  મૂક્ત  શ્વાસો  ખેંચીએ   શાને   ખુમારીથી

તજ્યાં નિજ શ્વાસ અંતિમ તે અમર નામી અનામી છે

ભગતસિંગ, વીર સાવરકર, ખુદી, સુભાષ, બીસ્મિલ્લે

તજી  સુખસેજ  સુંવાળી   દીધી  હોમી   યુવાની  છે

અહિંસા વ્રત ધરીને ‘હિન્દ છોડો’ ની કરી હાંકલ,

ખમી ત્રણ ગોળી ગાંધીએ અહો શું કુરબાની છે !

‘કદી યે  જીવતાજી શત્રુનું શરણું ન સ્વીકારું’

પ્રતિજ્ઞા ચંદ્રશેખરે શબ્દસઃ પાળી બતાવી છે

ફરી  તવ કુંખે લઈશું જન્મ ‘વંદે માતરમ કહીને ‘

ચૂમી  ફાંસી ભગતસિંગે, ગીતા કેવી પચાવી છે

‘જીવનથી પણ વધુ ઊંચું જીવનનું ધ્યેય છે  મુક્તિ’

‘છું હિન્દી’ કહી જતીને પ્રાણની બાજી લગાવી છે

ગુલામી  યાતના સ્મરશું તો મુક્તિ મૂલ્ય સમજાશે

સ્વનું ગુણરાજ્ય લાવીશું  સફળતાની નિશાની છે

વિવિધ ભાષા, વિવિધ ધર્મે, વિવિધ પુષ્પે ચમન સોહે

પ્રભુ !  ઈચ્છા   અમોને   હારમાળા   ગૂંથવાની   છે

ગયા  શત્રુ છતાં તાંડવ વધુ  ગૌરવ  ને શું ગાવું  ?

જાગે નિજના જ લોકોએ સદા ગરદન ઝુકાવી છે

ન કોઈ વાહવાહ ની ચાહ અમર વીરોને દેવા દાદ

વતન પર ગર્વ છે મુક્તિ ગઝલ તેથી લખાણી  છે

વતનથી દુર જઈ ‘દિલીપ’ વતનની યાદ ના જાતી

વસી  પરદેશમાં પણ આંખડી કાયમ ભીંજાણી  છે

-દિલીપ ગજજર