નવું પામવા જીવન મરવું પડે છે

મિત્રો આજે એક સ્વરચિત રચના રજુ કરુ છું આપના ભાવ પ્રતિભાવની આશા સહ.
દશહરા(हरन्ति दश पापानि ईति दशहरा !)નિમિત્તે શુભેચ્છાઓ

બધા  પાંદડાઓએ  ખરવું  પડે  છે
નવું  પામવા જીવન  મરવું  પડે  છે
નિશાના સ્વરૂપને ય  શણગારવાને
પ્રકાશિત બની  જ્યોત બળવું  પડે  છે
ઉમંગોના  ઉત્સવ ઉજવવાને માટે
ભીતર છૂપા  શત્રુથી  લડવું  પડે  છે
લખ્યું નામ પાટીમાં ભૂંસો ભલે ને
હૃદયમાં  ધબકતું તે સ્મરવું  પડે  છે
ભલે પ્રેમને  પાપ કહી ધોઈ નાંખો
પછી  અશ્રુઓ  સારી રડવું પડે  છે
નહી  પ્રેમ  મરશે  મિટાવીને  પ્રેમી
નદીનેય સાગરમાં ભળવું  પડે   છે
નિરાકાર  સપનું બની જાય સાકાર
નિરાકારને  કંઈ તો  ધરવું  પડે  છે
ખુશીને ધરાશય કરો તો ‘દિલીપ’ને
ઉદાસી   લઇ  કાંધે  ફરવું   પડે   છે

 

-દિલીપ ગજજર