નવું પામવા જીવન મરવું પડે છે

મિત્રો આજે એક સ્વરચિત રચના રજુ કરુ છું આપના ભાવ પ્રતિભાવની આશા સહ.
દશહરા(हरन्ति दश पापानि ईति दशहरा !)નિમિત્તે શુભેચ્છાઓ

બધા  પાંદડાઓએ  ખરવું  પડે  છે
નવું  પામવા જીવન  મરવું  પડે  છે
નિશાના સ્વરૂપને ય  શણગારવાને
પ્રકાશિત બની  જ્યોત બળવું  પડે  છે
ઉમંગોના  ઉત્સવ ઉજવવાને માટે
ભીતર છૂપા  શત્રુથી  લડવું  પડે  છે
લખ્યું નામ પાટીમાં ભૂંસો ભલે ને
હૃદયમાં  ધબકતું તે સ્મરવું  પડે  છે
ભલે પ્રેમને  પાપ કહી ધોઈ નાંખો
પછી  અશ્રુઓ  સારી રડવું પડે  છે
નહી  પ્રેમ  મરશે  મિટાવીને  પ્રેમી
નદીનેય સાગરમાં ભળવું  પડે   છે
નિરાકાર  સપનું બની જાય સાકાર
નિરાકારને  કંઈ તો  ધરવું  પડે  છે
ખુશીને ધરાશય કરો તો ‘દિલીપ’ને
ઉદાસી   લઇ  કાંધે  ફરવું   પડે   છે

 

-દિલીપ ગજજર

35 thoughts on “નવું પામવા જીવન મરવું પડે છે

 1. આપણી શરતી હયાતીને તમે આબેહૂબ રજુ કરી છે, આ શેર ખરેખર ગમ્યો…
  બધા પાંદડાઓએ ખરવું પડે છે
  નવું પામવા જીવન મરવું પડે છે…

 2. વાહ દિલીપભાઈ,
  સરસ અભિવ્યક્તિ થઈ છે – ગમ્યું.
  તસ્વીર સાથેના મુક્તકમાં હવે ની જગ્યાએ થયો, અને ગઝલના બીજા શેરમાં પ્રકાશે ની જગ્યાએ પ્રકાશિત કર્યું હોય તો ? (ક્ષમાયાચના સાથે..)
  મને લાગે છે, એ રીતે ભાવ વધુ ઉઘડી શકે એમ છે. – વિચારી જોજો.
  અભિનંદન.

 3. આદરણીય મહેશભાઈ, આપનું સૂચન શિરોમાન્ય આપ પોતાની કીમતી અનુભવ અને જ્ઞાન નું જે ઉદાર મનથી સુચન આપો છો આપની ભાવનાનું કૃતજ્ઞ ભાવે સ્વીકાર કરું છું ..હું ફેરફાર કરી લઇશ ..

 4. નિરાકાર સપનું બની જાય સાકાર
  નિરાકારને કંઈ તો ધરવું પડે છે
  ખુશીને ધરાશય કરો તો ‘દિલીપ’ને
  ઉદાસી લઇ કાંધે ફરવું પડે છે
  ……………………..
  પ્રકૃતિ અને અંતરના ભાવ એક તાદમ્યતા સાધી નીખર્યા છે.વિચારો અંતરના ગર્ભ ગૃહે દિલીપમય બની છાયા છે. ગઝલ એક આગવું સ્વરુપ લઈ ઝગમગી છે. ખૂબ જ ગમી ગઝલ.
  શ્રી દિલીપભાઈ ,આવી ગઝલ દ્વારા હવે વસંતને બોલાવજો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  • શ્રી રમેશભાઈ, આપના અંતરદર્પણના પરતિભાવને ઝીલી આભાર વ્યકત કરુ છું જરુર આપણે રુતુરુતુને વધાવીશું રુતમાં સત્ય શોધીશું અને વસંતમાં સંતત્વ પામીશું..

 5. દિલીપભાઈ તમારી ગઝલ ખૂબજ સરસ અને જીવનનો સંદેશ આપનારી છે. શબ્દોને સમજી એ તો જીવનમાં ઘણુ જ સમજાય અને જીવન જીવવાનો દ્રષ્ટીકોણ મળી જાય. આજના દશહેરા ના દિવસે તમને તથા તમારા પરિવારને શુભેચ્છા.

  ધર્મેશ

 6. દિલીપભાઈ સરસ ગઝલ બની છે..પાંદડાનું ખરવું અને નવજીવનની કલ્પના સરસ સરખામણી કરી પોઝેટિવ વિચાર છે…આશા છોડવા કરતાં આવનારી વસંતની કલ્પ્ના કરવાની પ્રેરણા મલે છે સરસ ગઝલ>.આભાર!!
  સપના

  • ખુબ ખુબ આભાર સપનાજી આપનો અંતરનો પ્રતિભાવ સર્જનનો ઉત્સાહ વધારે છે
   આપના ‘ખુલી આંખના સપના’ સંગ્રહને ખુબ જ આવકાર મળે તેજ અભિલાષા.

 7. દિલીપભાઈ , ગઝલ સરસ બની છે.
  નિશાના સ્વરૂપને ય શણગારવાને
  પ્રકાશિત બની જ્યોત બળવું પડે છે
  ઉમંગોના ઉત્સવ ઉજવવાને માટે
  ભીતર છૂપા શત્રુથી લડવું પડે છે……. આ વિશેષ ગમ્યું.

 8. khoob sunder shabdo chhe…………very touchy………………………….

  સહેલો વિષય પસંદ કરીને લખાય છે,
  જીવતા ન જો લખાય મરીને લખાય છે.
  અક્ષરની જેમ લેતી રહે છે વળાંક એ
  વાંચો તો માછલીથી તરીને લખાય છે.
  શબ્દો જ ખાલી ખાલી હતાં શબ્દકોશમાં
  એમાં અનેક અર્થ ભરીને લખાય છે.
  કંઈ ના લખાય ત્યારે નથી હોતું કાંઈ પણ,
  એક શૂન્યતાથી એમ ડરીને લખાય છે.
  લખતો હતો કદીક હું તમને મળી અને
  આજે દરેક વાત સ્મરીને લખાય છે.

  • રીતુજી ખુબ જ સુંદર રચના આપે પ્રતિભાવરુપે રજુ કરી..આપનો ખુબ જ આભાર

   સહેલો વિષય પસંદ કરીને લખાય છે,
   જીવતા ન જો લખાય મરીને લખાય છે.
   લખતો હતો કદીક હું તમને મળી અને
   આજે દરેક વાત સ્મરીને લખાય છે.
   આપ લખતા રહેજો અને વહેંચતા રહેજો આમ જ..બધા સુધી

  • લતાબહેન ,આપનો ખુબ અભાર…
   સાચું… જીવનમાં પણ દ્વારો છે..સંસ્કારાત દ્વિજ ઉચ્યતે..અહંનું મરણ થાય પછીનું જિવન જુદુ..સર્વત્ર હરિદર્શન થાય પછી જીવન જુદુ..પ્રેમની દ્રુશ્ટી મળી જાય પછી જગત બધુ જુદુ દિશે…જેમ યુવતી પરણે પછી જીવન જુદુ..નવા વરસ પછી સંકલ્પથી પણ નવજીવન આવી શકે..

 9. બધા પાંદડાઓએ ખરવું પડે છે
  નવું પામવા જીવન મરવું પડે છે
  ખુબ જ સરસ…..જીવનની સુખ-દુઃખ અને તડકા-છાંયડાની રમત આજ કહી જાય છે….નવું જીવન પામવા માટે એક વાર મરવું તો પડે જ છે……કશું મેળવવા માટે કશું છોડવું પણ પડે છે…..
  ફરીથી અદ્દ્ભુત રચના માટે અભિનંદન…

 10. Hi Dilipbhai,…(from Laxmanbhai’s Email.)

  > *બધા પાંદડાઓએ ખરવું પડે છે*
  > *નવું પામવા જીવન મરવું પડે છે*
  > ***નિશાના સ્વરૂપને ય શણગારવાને*
  > ***પ્રકાશે બની દીપ બળવું પડે છે*

  V….a………..h….vah.

  L……..m…n.

 11. લખ્યું નામ પાટીમાં ભૂંસો ભલે ને
  હૃદયમાં ધબકતું તે સ્મરવું પડે છે…..વાહ વાહ ક્યા બાત હૈ.. ખુબ જ સરસ રચના છે અને ખુબ જ સરસ ચોટદાર વિચારો છે આવી સરસ રચનાઓ મુકતા રહેશો… અભિનંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s