મુસ્લીમ ભાઈઓને ઈદ મુબારક.. સાથે કવિમિત્ર હારુન પટેલની ગઝલ રજુ કરું છું
મતભેદ વેરઝેરને દિલથી ફગાવીએ
ભેગા મળીને ઇદની ખુશીઓ મનાવીએ
અત્તર ફક્ત આ દેહ, ને કપડા ઉપર નહીં
દિલમાં સુવાસ લઇ અને મસ્જીદમાં આવીએ
બીજાને અગર ખુશ કરી શકીએ ન તો પછી
એ પણ ઘણું છે કોઈને પણ ના સતાવીએ
મિત્રો છે ઇદુલ ફિત્ર નો સંદેશ એટલો
રડતાના આંસૂ લુછીને એને હસાવીએ
બીજાના ઈશારાઓ ઉપર નાચતા રહ્યા
ચાલો ઈશારે આપણાં એને નાચાવીએ
માં બેન દીકરીઓની ઈજ્જત લુંટાય છે
કાયરપણું છે આપણું મોઘું છુપાવીએ
સાચું પૂછો તો એની કૃપાઓ અપાર છે
છે બેસુમાર નેઅમતો કંઈ કંઈ ગણાવીએ
વાતોના લાખ બણગાઓ ફૂંકવાથી શું વળે ?
ઉન્નત જીવન જીવી જગતને બતાવીએ
સાચી ખુશી આ ઇદની ‘હારુન’ એજ છે
ધરતી ઉપરથી જુલ્મોસીતમને મીટાવીએ
હારુન પટેલ ,બોલ્ટન