પૂંછડી દબાવી ચાલ્યા નવ દશ અગ્યાર છે
મોતીડાં નો થાળ લઈ નવવર્ષ આવે બાર છે
જે અનુભવનુ મળ્યું ભાથુ ને મિત્રો માર્ગમાં
સૌ નવીનતાને દિલીપ સત્કારવા તૈયાર છે
-દિલીપ ગજજર
૩૧.૧૨.૨૦૧૧
કોણ રોકી દે સમય ? ને કોનાથી કહેવાય બસ ?
બે હજાર અગ્યાર સરક્યું વર્ષ બેઠું બાર હર્ષ !
રોજ સૂરજ આવતો અજવાળવા અંઃતકરણ
કેટલું દેવત્વ પામ્યો કેટલું કાઢ્યું તમસ !
કઈ દિશા ને માર્ગ પર ચરણો ગતિ કરતાં રહ્યાં ?
ક્યા જીવન આવી ઉભું વિચાર કર બુધ્ધિને કસ !
આશ રાખી માનવી પર આજ્તક જોતો હશે
ઉચ્ચ હેતુ ઈશનો સમજાય તો કેવું સરસ !
સ્નેહ વર્ષા અવગણીને ગાળ ભાંડે જો નગર
મીટ માંડી રાહ જોતા ગામડે જઈને વરસ !
જ્યારથી તારી છબી આ દિલના દર્પણ માં મઢી
શોધ લાગે પૂર્ણ થઈ ના સ્વપ્ન મૃગજળ કે તરસ
ભોગના પ્રવાહમાં તું રાતદિન ભીંજાય પણ
વિપરિત સમાજના રિવાજની સામે ય ધસ !
વ્યર્થ જાયે જો જીવનની સાધના આનંદ ના,
કોઈ સૂની ધડકનોમાં પ્રીતનું થૈ ગીત વસ
આજ પણ મા ગુર્જરી ને સંસ્કૃતી રુંધાય છે
એટલે સંગીતને સાહિત્ય માં દિલીપ ને રસ
-દિલીપ ગજજર
૩૧.૧૨.૨૦૧૧