દૂર તેનો વાસ તોયે પાસ છે

तददूरे तदवन्तिके…………
દૂર તેનો વાસ તોયે પાસ છે
શબ્દમાં સમજાય તે અહેસાસ છે
શ્વાસમાં તેની હવાની છે મહેંક
તે નથી અંતિમ ઘડી ઉચ્છ્વાસ છે
તે નથી કહ્યાગરા પણ પ્રેમમાં
બેફીકર દિલદાર ને બિન્દાસ છે
રાજ લોકો પર હવે કરવું વૃથા
જ્યાં હ્રુદયના આસને સહવાસ છે
અંતરે નિવાસ કરજે, પૂરતું……
જન્મ જન્માંતર ભલે વનવાસ છે
હો દિવાળી કાળી ચૌદશ શો ફરક ?
અક્ષરી આકાશમાં અજવાસ છે
સીમરેખા એટલે છોડી દીધી
સીમમાં પણ રાવણૉનો ત્રાસ છે
તારા માટે થાય મરવાનું ય મન !
તું કહે તો, જીવી લવ વિશ્વાસ છે

તસ્વીર અને રચના-દિલીપ ગજજર

આંગણે ફૂલ છે શુભ છે

બાગમાં આંગણે ફૂલ છે શુભ છે
શું થયું ફૂલ સંગ શૂલ છે શુભ છે

પક્વ થૈ પાનખરમાં ખર્યા પર્ણ જો,
જીન્દગી આમ વર્તૂલ છે શુભ છે

હોય નિંદક સમીપ પ્રગતિ પણ સમીપ
માનવી માત્ર છું ભૂલ છે શુભ છે

વ્હાલના આંખથી લો ખર્યા આંસુઓ
આ જીવનનો મરણ પૂલ છે શુભ છે

મળમહીં ના કમળ ખિલતું ગૂણનું,
વિત્ત ને નામ તો ધૂલ છે શુભ છે

આંખ તેની બની ગઈ ‘દિલીપ’ આયનો
યાદ તેની જ બુલબુલ છે શુભ છે

-દિલીપ ગજજર

Poem &  Autumn Images by DGajjar

માનવ બની કો’ બતાવે ?


મુક્તક-

સૂરજનાં પ્રથમ એ  કિરણનો પ્રકાશક

પ્રચારક વિચારક ન, હું એક ઉપાસક !

તમસની કોઈ વાત ખપતી ન મનને

હું અંતરને અજવાળતો દીપ વાહક

*******

ગઝલ-ઘણા જગમાં રહી જગને ખોટું ઠરાવે

સ્વયં સુધર્યા વિણ બીજાને સુધારે

પ્રભુ થઈ કરાવી લે પૂજા સ્વયંની

તે ઈશ્વર નથી કોણ સાબિત કરાવે

કરોડૉનો સંગ્રહ, કરોડૉનું શોષણ,

કલિયુગે ગીતાજી કેવી ભણાવે ?

બધે જૂલ્મ હિંસા જણાયે છે ત્યારે

જીવન સત્ય સુંદર જીવી કો’ બતાવે ?

હું આ છું હું તે છું ભૂલ્યો શબ્દ એક જ

‘હું માનવ છું’ માનવ બની કો’ બતાવે ?

-દિલીપ ગજજર

मम वर्तमानुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः