બારમાસી કાવ્ય

મિત્રો,બારે માસના મનનમાત્રથી મને જે સહજ સંદેશ લાગ્યા તે આ બારમાસી કાવ્ય દ્વારા આપ સમક્ષ રજુ કરું છું..
આશા છે ગમશે તો પ્રતિભાવ આપી જણાવશો.

આપતા સંદેશ વૈદિક સંસ્કૃતીના માસ છે
સાનમાં સમજી જજે આનંદ બારે માસ છે
કર્મપૂજન, કર્મ જીવનધર્મ, ગીતાજી કહે
પ્રેરણા દેતો કૃતિની કારતક નો પ્રાસ છે
ધ્યેય પથ પર માંગતા શર પણ ધરી દે એટલે
બાર મહીનામાં વિભૂતિ ! માગશર મુજ પાસ છે
સજ્જનોને પીઠબળ ને દૂષ્ટ વૃત્તિનું દમન
દૈવી વૃત્તિ સહુ જનોમાં પોષ ઇશ્વર આશ છે
આત્મથી, સત્કર્મથી, ચારરિત્ર્યબળથી જે મહાન
અન્યને મોટા બનાવે તે મહા નર ખાસ છે
ધર્મક્ષેત્રે ! કર્મક્ષેત્રે ! ફાલ ગૂણનો આવતાં
વિશ્વમાં સુવાસ ભરતો જાય ફાગણ માસ છે
ચિત્ર ને વિચિત્રરુપ સંસારનું સમજાય ના,
બાળ વિસ્મયથી જુએ જગ ચૈત્રમાં વિશ્વાસ છે
સત્ય એક જ છે પરંતુ વૃક્ષની શાખા અલગ,
એક્તા વિવિધતા વૈશાખમાં સહવાસ છે
જેમનો તું સાથ ને સંગાથ લઈ મોટો બન્યો
રાખજે તેનો કૃતજ્ઞીભાવ જેઠ ભીનાશ છે
ઉન્નતિના શીખરે ઉન્મત્ત બને ના વિરલા
‘હું જ મોટો’ આસૂરી આશાઢ્યતા વિનાશ છે
સાંભળી પાવન કથા તો વાર ક્યાં તહેવારને
કૃષ્ણ પ્રગટે અંતરે રચાય છે ત્યાં રાસ છે
હાંકી આસૂર વિશ્વથી સંકલ્પ આશાના ધરી
દીપ વિજયના જલાવો આસોનો અજવાશ છે
ઉત્સવો જ્યાં નૃત્ય ત્યાં સંહાર ના આતંક ના
કાવ્ય્મમય જીવન દિલીપ, તહેવાર બારે માસ છે
-દિલીપ ગજજર

Photo taken by DGajjar

દીપની જ્યોતે…

દીપની જ્યોતે તમસ ભાગી જશે
સૂર્યનું સંતાન પથ ભાળી જશે

સાચવો જીવન સકલ અજવાળશે
છેડશો જો દીપ, સળગાવી જશે

સત્યનો દીપક ગ્રહી લે રાતભર
પ્રાતઃકાળે મંજીલે પહોંચી જશે

પ્રેમભાવો દિલથી ચાલી જતા
રાગદ્વેષો ઘર પછી બાળી જશે

બંધ આંખે શીર પર આજ્ઞા ધરો
ભ્ર્ષ્ટ માર્ગે કોઈપણ વાળી જશે

ચૂપ રહી અન્યાય જો સહેતા રહો
વૃત્તિ રાવણિયા બધે વ્યાપી જશે

રાત કાળી જૂલ્મની લંબાઈ ગઈ
કૃષ્ણ નરકાસૂરને મારી જશે

ભાઈ મારા, જો રહે લડતા સતત,
તે’દિને દીપાવલિ ચાલી જશે

માનવી લાચાર ભૂખ્યો ના સૂએ
તે’દિને દીપાવલિ દીપી જશે

વ્યાસ ઉંચો સાદ દઈ પોકારતાં,
કોઈ તો હજ્જારમાં જાગી જશે

વર્ષ બેઠું તું કદી ના બેસતો,
જીન્દગી સંકલ્પ બદલાવી જશે

રાત આખી વાટ સંકોરી ’દિલીપ’
પૂર્વ-સંધ્યા જોઈને પોઢી જશે

-દિલીપ ગજજર