ભેટ જીવનમાં મળી …

atHeathrow1

ભેટ જીવનમાં મળી તે ભેટ્ને માપો નહીં

ભાવના સમજી લઈ દેનારને શાપો નહીં

ભાવ આપી ભાવ પામો, છો બીજું આપો નહીં 

ભાવમાં ભગવન વસે છે ભાવ ઉથાપો નથી 

ભાવનો સાગર ગહન ને ભાવનું કારણ અગમ 

બુદ્ધિને કાંઠે ઉભા અશ્રુવહન  માપો નહીં 

મૂલ્ય તેને મન તમારું સહેજ પણ ઓછું નથી

ગર્વના શીખરે ચડી હુંકાર ધ્વજ સ્થાપો નહીં

આઈ લાવ યુ તે કહે ના, આઈ લવ યુ હું કહું ના,

ખુલ્લા દિલના આવકારા  સમ બીજો ઝાંપો નહીં 

પ્રેમ તારી મારી વચ્ચે ત્યાં પ્રભુ પણ નાચશે 

પથ્થરોના સ્થાન પુરતો પ્રેમને સ્થાપો નહીં

તે પરમનો સાદ દઈને  સ્નેહનો વરસાદ દે 

એક સરખી ચાહમાં ઓછું વધુ આપો નહિ 

હોય જ્યાં  છાંટો દયાનો ત્યાં સહાનુભુતિ હો,

ગાય ઘેટાં બકરાં માસૂમ જીવને કાપો નહીં

વાણી ને વિચાર ને વર્તમહીં ના  સામ્યતા

કાગળૉના વાઘને ઊંચા બિરુદ આપો નહીં

પ્રેમમાં તન્મય તું  ગાઈ  શકે નાચી શકે 

ત્યાં ‘દિલીપ’ સ્વદેશ કે પરદેશ ઝુરાપો નહી 

-દિલીપ ગજજર 7/6/13