લાગણીપ્રવાહ–સ્નેહા પટેલ

મિત્રો, આપ સમક્ષ ર્જુ કરું છું સ્નેહા પટેલ ની એક વાર્તા..જેમણે મારું મુક્તક તેમના બ્લોગ પર વાર્તા સાથે રજુ કર્યુ આ વાર્તા આપને ગમશે… તેમના હાસ્ય લેખ અને  પ્રેરક વાર્તાઓ હું હંમેશ વંચતો રહ્યો છું..અને આ યુવા સર્જક પ્રતિભાનો અણસાર આવશે તેમના લેખો આજના કાળમાં કેટલું ઉંચું મૂલ્ય ધરાવે છે તે પણ ખ્યાલ આવ્યા વિના નહી રહે..

હાલમાં જ તેમના બે વાર્તા સંગ્રહ પ્રકાશિત થયા છે. જે આપ મેળવી શકો છો..૧ વાત બે પળની,૨ વાત થોડી હૂંફની…

-Dilip Gajjar


લાગણીપ્રવાહ

http://akshitarak.wordpress.com/2013/08/28/laagnipravaah/#comment-5910

દર્દ દિલનું પૂછનારું કોઈ તો મળશે ખરું

ચેહરો હસતો રાખીને એટલે ફરતાં રહ્યાં

શત્રુઓ કે મિત્રની તો વાત ક્યાં કરવી રહી

પોતિકા થઈને જ પોતાને અહીં છ્ળતાં રહ્યાં

-દિલીપ ગજજર

સ્વસ્તિકા લગભગ ચાલીસીએ પહોંચેલી ગરિમાપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતી, દિલ અને દિમાગનો સુપેરે સમન્વ્ય કરીને જીવતી બે બાળકોની માતા અને શહેરની પ્રતિષ્ઠિત કોલેજ ધીરુબાઈમાં સાયકોલોજીનો વિષય ભણાવતી પ્રોફેસર હતી.

આજે પહેલાં લેકચર દરમિયાન એનું ધ્યાન સતત ક્લાસની છેલ્લી બેન્ચ પર બેઠેલી સામાન્ય રુપરંગવાળી પણ અદભુત માસૂમિયત ધરાવતો ચહેરો અને એવી જ ભોળી સુંદર આંખો ધરાવતી સોનેરી પર જઈને જ અટકતું હતું. હરહંમેશ ખુશખુશાલ રહેતી અને કાયમ એના ગુલાબી હોઠ પર મીઠું નટખટ સ્મિત રેલાવતી એ વિદ્યાર્થીની સ્વસ્તિકાને બહુ જ પસંદ હતી પણ આજે એ માસૂમ નટખટ ચહેરો ચૂપચાપ ઉદાસીન હતો જાણે પૂનમના ચાંદને ઘનઘોર અંધારાએ એના કાળા ભરડામાં સમેટી લીધેલો. સ્વસ્તિકાને એની ચુપ્પીથી અકળામણ થતી હતી. જેમ તેમ કરીને એણે લેકચર પુરું કર્યું અને છેલ્લે છેલ્લે સોનેરીને સ્ટાફરુમમાં આવવાનું કહીને રુમની બહાર નીકળી.

લગભગ દસ મીનીટ પછી સોનેરી એની સામે સ્ટાફરુમમાં હાજર હતી. શાંતિથી વાત કરવાની ઇચ્છા હતી એથી સ્વસ્તિકાએ એને સામેની ખુરશીમાં બેસવાનું કહ્યું. ચૂપચાપ સોનેરીએ એના આદેશનું પાલન કર્યું.

‘સોનેરી, શું વાત છે ? આટલી ઉદાસ ઉદાસ કેમ છે ?’

‘હ..અ…અ..શું ..હા…ના..ના..કંઇ નથી મેમ, એ તો જસ્ટ તબિયત બરાબર નથી એટ્લે બસ.’

પોતાની અણિયાણી આંખોની તીખી નજર સીધી સોનેરીની આંખોમાં પૂરોવીને એકીટશે સ્વસ્તિકાએ બે પળ જોયા કર્યું. એની એ નજરનો સામનો ના કરી શકતી હોય એમ સોનેરીએ આંખ ઝુકાવી દીધી અને એના દુપટ્ટાના છેડાને આંગળી પર વીંટવા – ખોલવા લાગી.

‘ જો સોનેરી, કંઇક વાત તો છે જ. હું તને બે વર્ષથી ઓળખું છું. આવી ઉદાસ મેં તને ક્યારેય નથી જોઇ. તું મારી પર વિશ્વાસ મૂકીને તારી તકલીફ શેયર કરી શકે છે. કોઇ પણ સમસ્યા ઉકેલ વિનાની નથી હોતી.’

લાગણીભીના વાક્યોની હૂંફથી સોનેરી ઢીલી પડી ગઈ ને એની આંખો વરસી પડી.સ્વસ્તિકાએ એને રડીને મન હલકું કરી લેવા દીધું પછી એને પાણીનો ગ્લાસ ધર્યો. પાણી પી ને થોડી સ્વસ્થ થઈને સોનેરી બોલી,

‘મેમ, હું  અને આતિફ છેલ્લાં એક વર્ષથી પ્રેમમાં હતાં. અત્યાર સુધી તો બધું સરસ હતું પણ આતિફે એના ઘરનાંને મારા વિશે વાત કરી તો એના ફેમિલીએ અમારા ધર્મનું બહાનું વચ્ચે લાવીને એમની નામંજૂરી દર્શાવી દીધી. આતિફે પહેલાં તો ઘરનાંનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો પણ હમણાંથી એ બદલાઈ ગયો છે. કહે છે કે ઘરનાની નામંજૂરી હોય તો હું આ લગ્ન નહીં કરી શકૂં. મેમ, મારે મારો ધર્મ બદલીને એના ઘરમાં મુસ્લિમ બનીને રહેવાનું છે, મારે મારો ધર્મ બદલવાનો છે અને ખાસ તો મારા મા બાપનો તીવ્ર વિરોધ પણ સહન કરવાનો છે. હું એ બધી પરિસ્થિતીઓને પહોંચી વળવા મનોમન તૈયાર હતી પણ આતિફ જ જ્યાં આમ પાણીમાં બેસી ગયો તો હું શું કરું ? દિવસના સોળ કલાક જેની સાથે વાતોમાં વીતતા હતા આજે એના સોળ સેકન્ડ માટે દર્શન પણ દુર્લભ થઈ ગયા છે. મારાથી કોઇ ભૂલ થઈ હોય , કમી હોય તો મને બતાવે હું એને સુધારી લેવા તૈયાર છું પણ જેને મન મૂકીને જેને પ્રેમ કરેલો એ જ આજે મને કહે છે કે એને ભૂલી જઉં..સાવ જ અજનબી બની જાઉં..આ તો..આ તો..કઈ રીતે શક્ય બેન..’ આટલું બોલતા બોલતાં તો સોનેરી ધ્રુસકે ને ધુર્સકે રડી પડી.

સ્વસ્તિકાએ મનોમન આ જ પરિસ્થિતીની આશા રાખેલી એટલે એને નવાઈ ના લાગી. વાતનો ઉકેલ તો દેખીતો જ હતો. જ્યારે આતીફ જ મોઢું ફેરવી લે તો બીજાની શું આશા રખાય એટલે સોનેરી આ બધી હકીકત એક સુંદર ભ્રમ હતો એમ સમજીને ભૂલી જાય અને ભવિષ્ય સુખેથી જીવવા આ કાળા ભૂતકાળને ભૂલી જાય એ જ બહેતર હતું. સોનેરીના પોતાના સવાલનો જવાબ એના જ વાક્યોની ભીતરે છુપાયેલો હતો. સ્વસ્તિકાએ સોનેરીનો હાથ હાથમાં લઈને કહ્યું,

‘સોનેરી, આજથી લગભગ ૨૨-૨૩ વર્ષ પહેલાંની એક સત્યઘટના કહું છું, ધ્યાનથી સાંભળજે . સત્તર વર્ષની ભોળી ભાળી સુંદર છોકરીને એની પાડોશમાં રહેતાં વીસ વર્ષના યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને ગળાડૂબ પ્રેમમાં હતાં. છ એક મહિના તો લોકોની નજરથી બચી બચીને એક બીજાને મળતા રહ્યાં હતાં પણ ઇશ્ક કદી છુપાઈ શક્યો છે કે આમનો પ્રેમ છૂપો રહે ! બંનેના ઘરવાળાના આકરા વિરોધ પછી છોકરાને એના ઘરવાળાએ આગળ ભણવાના બહાને અમેરિકામાં રહેલા એના અંકલને ત્યાં મોકલી દીધો અને છોકરો પણ ચૂપચાપ એ આદેશ માથે ચડાવીને જતો રહ્યો.છોકરીના માથે તો આભ જ તૂટી પડ્યું. એની મનોદશાથી અવગત એની દીદીએ એને વાસ્તવિકતા સમજાવવાનો અને છોકરાને ભૂલીને નવેસરથી જીંદગીનો કક્કો લખવા માટે બહુ સમજાવી. છોકરી મનોમન અકળાતી રહેતી કે આ વાત એટલી સીધી સાદી ક્યાં છે ? જેને મન મૂકીને ચાહયો જેની સાથે આખી જીંદગી વીતાવવાના સુંદર સપના જોયા, જેના વગર એક પળ પણ જીવી શકવાનું શક્ય નહતું એને આમ કેવી રીતે ભૂલી જવાય ? પોતાનો મનનો માનેલો સાવ આમ કાયર નીકળશે એવો એને અંદાજ પણ ન હતો. એના માટે બીજા કોઇ પુરુષનો વિચાર સુધ્ધા પાપ હતું. હવે એને કોઇની સાથે પરણાવશે તો એ એની જીંદગી પણ બરબાદ કરી દેશે..ના પોતે સુખી થઈ શકશે કે ના જેની સાથે પરણશે એ યુવકને…આખી જીંદગી લગ્ન જ ના ક્રરવા એવા નિર્ણય પર આવી. દીદી તો બોલ્યા કરે એમને આ બધી ઇમોશનલ વાતોમાં શું સમજ પડે ..એ તો સાવ જ લાગણીવિહીન…એ તો બધું માને કે હું બીજે લગ્ન કરીને સેટ થઈ જઈશ…આ બધું ભૂલીને જીંદગી નવેસરથી જીવી શકીશ..પંણ એ ક્યાં શક્ય એમને કોણ સમજાવે ? એને મનોમન એની પ્રિય દીદી પર ગુસ્સ્સો આવવા લાગ્યો.ધીરે ધીરે સમય વીતતાં એ છોકરીના ઘાવ ભરાતા ચાલ્યાં અને વીસ વર્ષની ઉંમરે પહોંચતા મા બાપે એના એક સુંદર મજાના છોકરા સાથે લગ્ન કરી દીધાં. આજે એ છોકરી એના પતિ અને બે બચ્ચાંઓ સાથે ખુશહાલ જીદગી વીતાવી રહી હતી. હા કોઈક વખત પેલાં છોકરાની યાદ આવી જતી પણ એ હવે એ આવી ને ચાલી જતી હતી દિલ પર ઘસરકા નહોતી કરતી. પરિસ્થિતી એણે માની લીધેલી એવી અશક્ય નહ્તી. જરુર હતી તો ફક્ત થોડો સમય, ઘરનાની લાગણીભર્યા સહારાની, સમજણની અને માનસિક રીતે થોડા મજબૂત થવાની.’

દૂર ક્યાંક ખોવાઈ ગયેલી સ્વસ્તિકાના મોઢા ઉપર થોડી પીડા અને થોડા સમાધાનની રેખાઓ વાંચતી સોનેરીએ સ્વસ્તિકાનો હાથ દબાવ્યો અને બોલી,

‘હા મેમ, આપની વાત સાથે પૂરેપૂરી સહમત છું. આપને હવે સ્વસ્થ થઈને ફરીથી પાછી ખિલખિલાતી સોનેરી પાછી મેળવી આપવાનું વચન આપું છું.’

બે સમદુઃખિયા સ્ત્રીઓ એક બીજાની આંખોમાં તૂટતા બંધાતા સંબંધોની છબી નિહાળતી રહી.

અનબીટેબલ ઃ લાગણીમાં ડૂબીને ગુંગળાઈને મરી જવાનું ના હોય,એમાં તો હલકાં થઈ તરવાની મજા માણવાની હોય.

-સ્નેહા પટેલ

8 thoughts on “લાગણીપ્રવાહ–સ્નેહા પટેલ

 1. વીસ વર્ષની ઉંમરે પહોંચતા મા બાપે એના એક સુંદર મજાના છોકરા સાથે લગ્ન કરી દીધાં. આજે એ છોકરી એના પતિ અને બે બચ્ચાંઓ સાથે ખુશહાલ જીદગી વીતાવી રહી હતી. હા કોઈક વખત પેલાં છોકરાની યાદ આવી જતી પણ એ હવે એ આવી ને ચાલી જતી હતી દિલ પર ઘસરકા નહોતી કરતી. પરિસ્થિતી એણે માની લીધેલી એવી અશક્ય નહ્તી. જરુર હતી તો ફક્ત થોડો સમય, ઘરનાની લાગણીભર્યા સહારાની, સમજણની અને માનસિક રીતે થોડા મજબૂત થવાની.’…………………………………….
  Lovers at one time…..then one os ignored by the other.
  A sad Event….One can remain DROWNED by it or choose an Alternate Path in the Life
  That’s the Message !
  Nice Varta by Sneha Patel
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting Sneha to Chandrapukar !

 2. યુવાનીના આવેશમાં પ્રેમકહાનીઓ રચાય ..અહીં જે રીતે ટીચરે સહાનુભૂતિપૂર્વક સમજાવી એવી રીતે દરેક યુવક-યુવતીને માર્ગદર્શન આપનાર મળે તો કેવું સારું..

 3. ખુબજ ઉમદા રચના છે યુવાની માં અનેક જાત ની સમસ્યા ઉભી થાય બાળક મટી ને યુવાની માં કદમ રાખનાર ને જો શરૂઆત માં જ્ઞાન ન અપાયેલું હોય તો યુવાની ફોક થાય છે હું સુશ્રી સ્નેહા પટેલ જી ને ખુબજ ધન્યવાદ આપું છું તે નો આ લેખ ખુબજ પ્રસંશા ને પાત્ર છે અને આપ ને પણ ખુબ ખુબ આભાર જે આપે અમો સાથે સેર કર્યો સુભેછા સહ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s