ઇદની ખુશીઓ મનાવીએ

મુસ્લીમ ભાઈઓને ઈદ મુબારક.. સાથે કવિમિત્ર હારુન પટેલની ગઝલ રજુ કરું છું 

મતભેદ વેરઝેરને દિલથી ફગાવીએ 

ભેગા મળીને ઇદની ખુશીઓ મનાવીએ 
અત્તર ફક્ત આ દેહ, ને કપડા ઉપર નહીં 
દિલમાં સુવાસ લઇ અને મસ્જીદમાં આવીએ 
બીજાને અગર ખુશ કરી શકીએ ન તો પછી 
એ પણ ઘણું છે કોઈને પણ ના સતાવીએ
મિત્રો છે ઇદુલ ફિત્ર નો સંદેશ એટલો 
રડતાના આંસૂ લુછીને એને હસાવીએ
બીજાના ઈશારાઓ ઉપર નાચતા રહ્યા 
ચાલો ઈશારે આપણાં એને નાચાવીએ 
માં બેન દીકરીઓની ઈજ્જત લુંટાય છે 
કાયરપણું  છે આપણું મોઘું છુપાવીએ 
સાચું પૂછો તો એની કૃપાઓ અપાર છે 
છે બેસુમાર નેઅમતો કંઈ કંઈ ગણાવીએ 
વાતોના લાખ  બણગાઓ  ફૂંકવાથી શું વળે ?
ઉન્નત જીવન જીવી જગતને બતાવીએ 
સાચી ખુશી આ ઇદની ‘હારુન’ એજ છે 
ધરતી ઉપરથી જુલ્મોસીતમને મીટાવીએ
હારુન પટેલ ,બોલ્ટન 


કોણ મહેકાવી શકે ? -‘મહેક’ ટંકારવી

પ્રિય મિત્રો, આજે આપની સમક્ષ બોલ્ટન ના શાયર જ. ‘મહેક’ ટંકારવીની ઉમદા ગઝલ રજુ કરુ છું..જેઓ યુ.કેમા રહી ‘ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ’ના માનદ સ્થાને રહી ગુર્જરી સાહિત્ય સેવાકાર્યમાં ચાર ચાર દાયકાથી અવિરત સંલગ્ન છે ગુજરાતી ભાષાન્તર અને ટાઈપસેટીંગ નું કાર્ય પણ તેઓ ઉત્તમ રીતે કરે છે. તો આવો આપણે તેમની ગઝલ માણીએ જે તેમના પ્યાસથી પરબ સુધી…સંગ્રહમાંથી લીધેલ છે….-દિલીપ ગજજર

કોણ મહેકાવી શકે ?

આ સફરમાં  હોશિયારી  કામ  ના  આવી  શકે

પ્રેમમાં  પાગલપણું  રસ્તાઓ  બતલાવી   શકે

ધૂળ  માથામાં  અને  આ  ચીંથરેહાલી  તો  જો

કોણ   જઈને  તારા  દીવાનાને  સમજાવી  શકે

ક્યાં  છે  એવા  મરજીવા  ડૂબીને  જે તરતા રહે

બિંદુની  ઓળખ  કરાવી  સિંધુ  બતલાવી  શકે

વાંસળીની જેમ  ખાલી  થઇ  ગયા તો શું  થયું

હોય  છિદ્રો  બંધ  તો   ના  સૂર   રેલાવી   શકે

સંગમાં  ખૂશબોના તો  એ  બે  ઘડી  મ્હેંકી ઉઠે

ફૂલ  કાગળનું  હો , કાયમ  કોણ  મહેકાવી શકે

ઘરના  દરવાજા  બધા  ખુલ્લા મૂક્યા તો શુ  થયું

દિલના દરવાજે હો તાળું, કોણ ત્યાં આવી  શકે

ધૂળ  એ  રસ્તાની  ઝીણી  જેમણે કીધી ‘મહેક’

એજ  રસ્તો  તમને  એના ઘરનો બતલાવી શકે

-મહેક ટંકારવી

gwg@mahek.co.uk, પ્રકાશિત કાવ્ય સંગ્રહ -પ્યાસ (૧૯૭૨), તલાશ (૧૯૮૦) અને,…પ્યાસથી પરબ સુધી (૨૦૦૬)

મને એ નામની પરવા

Knighton Park, Leicester.  Photo taken by D.Gajjar

ગજ્જરી અભિયાન લેસ્ટરગુર્જરી

કર્મ   આલિશાન  લેસ્ટરગુર્જરી

નિત્ય લાવે થાળ ભાષાનો ભરી

શબ્દ શબ્દે  જ્ઞાન  લેસ્ટરગુર્જરી

ગઝલ

મને  એ  નામની   પરવા

ને  અસલી ધામની પરવા

કથાનો ‘ગુલ’ થયો આરંભ

અને   અંજામની   પરવા


કવિમિત્ર, દિલીપ ગજ્જર ને તેમની લેસ્ટર ગુર્જરી ને એક વરસ પુરુ થયે અભિનંદન

અને શુભેચ્છા રુપે એક મુક્તક અર્પણ કરૂ છું.

અહમદ ‘ગુલ’ ગુજરાતી રાઈટર ફોરમ બેટલી, યોર્કશાયર યુકે. ના અધ્યક્ષ

Date 18th Dec.2009

********************


સાગરનો તાગ ના મળે ડૂબી ગયા વિના-Siraj Patel

સહારો

પ્રેમને જ્યારે વફાનો સાથ મળતો જાય છે

સિલસિલો એ પ્યારનો મજબૂત બનતો જાય છે

બિન સહારે ઝોલાં ખાતી ને હતી અટવાયેલી

‘સિરાજ’ નૌકા ને કિનારો આજ મળતો જાય છે

સાગરનો તાગ ના મળે ડૂબી ગયા વિના

પાપી હદયને જાતે અજવાળી નાખશો તો

ધોવાય જાશે પાપ  પણ કાશિ ગયા વિના

મળશે નહીં  જીવનમાં અમનો અમન કદી પણ

લાલચ ને મોહમાયા વીસરી ગયા વિના

ચાલ્યા ગયા જગતથી ઉમરાવ બાદશાહો

ધન-સંપતિ ખજાનો બાંધી ગયા વિના

મળશે તો ચેન કઈ રીતે મળશે કહો ‘સિરાજ’

દુનિયાના ઝંઝાવાતથી છુટી ગયા વિના

-સિરાજ પટેલ ‘પગુથનવી’

તેમના સંગ્રહ ‘ફ્રોમ લંડન વીથ લવ’ માથી સાભાર, અમનો અમન = શાંતિ

યાદ આવે જ્યારે માતા -હસન ગોરા ડાભેલી

Hasan DG

જ્ગતમાં ખુનામરકીઓ હવે બંધ થાય તો સારું

ને માનવમાં બધે ભાઇચારો જો ફેલાય તો સારું

જગતના ખૂણેખૂણામાં વહે છે લોહી માનવનું

‘હસન’ એવી ખબર દરરોજ ના સંભળાય તો સારું

ગઝલ

યાદ આવે જ્યારે માતા આંખ પણ થમતી નથી

શોધતાં પણ માની મમતા જગમહીં મળતી નથી

હું કદી બિમાર પડતો તે સમય તું એકલી

રાત આખી જાગીને તું આહ પણ ભરતી નથી

મા નથી જેની જગતમાં તેને જઈ પૂછો જરા

શોધે છે નિજ માને દિકરો મા હવે જડતી નથી

મગફેરત તું માની કરજે છે દુઆ આ લાલની

કરગરું છું દિલની અંદર જીભ કંઈ કહેતી નથી

માના ચરણોમાં  છે જન્નત વાત સાચી છે ‘હસન’

આમ કંઈ જન્નત મળે જે એટલી સસ્તી નથી

હસન ગોરા ડાભેલી, બાટલી

મિત્રો આજે બેટલી, યોર્કશાયરના એક કવિનું મુક્તક અને ગઝલ રજુ કરું છું. જનાબ હસન ગોરા ૨૭.૦૯.૨૦૦૯ના જગત છોડી ચાલી ગયા છે. ઘણાં વર્ષોથી સાથે મુશાયરામાં ભાગ લેતા કવિઓમાં આ દુઃખદ સમાચારથી શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેઓ મોટેભાગે મુશાયરામાં તરન્નુમમાં પોતાની લાગણીસભર ગઝલો રજુ કરતા. સદગતને શાંતિપ્રાર્થના અને તેમના પરિવારને સાંત્વના. જગતના મંચ પર કોઈ યુ ટર્ન નથી મુશાયરા થતા રહેશે તેમની યાદ ભૂલાશે નહિ.

તા. ૧૧મી ઓગષ્ટના બેટલીના મુશાયરો તેમના માટે આખરી યાદરુપ બની રહ્યો.
જમણી બાજુથી બીજા ક્રમે જ. હસન ગોરા, દિલીપ ગજજર, અહમદ ગુલ, બેદાર લાજપુરી,અન્જાન પછી શબ્બીર કાજી અને સેવક આલીપુરી ઉભેલ છે.

ખુદ્દાર થઈને જીવો…

છે દિવાલીમાં અલી રમાદાનમાં શ્રી રામ છે

સૃષ્ટીકર્તાનો  વિવિધતાથી  ભર્યો  દમામ છે !

-દિલીપ ગજ્જર

lilly

Integration

હવે નફરતનું આ વાદળ, હટી જો જાય તો સારું

પરસ્પર એકતા જેવું હવે જો થાય તો સારું

તમે ગોરા કે કાળા, એશિયન કે આફ્રીકન હો,

હરએકના લોહીનો રંગ લાલ છે સમજાય તો સારું


Gazal ખુદ્દાર થઈને જીવો

ગફલતને ફગાવી દો, બેદાર થઈને જીવો

છોડો આ હતાશાને, ખુદ્દાર થઈને જીવો


આ  માનવી  કુદરતનું છે  સર્વ શ્રેષ્ઠ  સર્જન

તેથી જ આ ધરતીનો, શણગાર થઈને જીવો


થઈ જાવ મિત્રો સામે, તો પુષ્પથી યે કોમળ

પણ દુશ્મનોની સામે, તલવાર થઈને  જીવો


આ પંથ છે અજાણ્યો,  અંધકાર ચોતરફ છે

અંધારા માર્ગે વીજનો ઝ્બકાર થઈને જીવો


જીવો જો રાખ થઈ જશો તો પવન પણ ઉડાડી દેશે

તણખો    બનીને    ઉઠો,    અંગાર  થઈને  જીવો

સિરાજ પટેલ ‘પગુથનવી’


આજ મૌનનું બંધ શિવાલય ખૂલ્યું-આદિલ મન્સૂરી

GetAttachment-1.aspx

આજ

આજ મૌનનું બંધ શિવાલય ખૂલ્યું,

અંધકારનો સર્પ સરકતો

શંકરની ગરદનમાં,

નંદી હમણાં

ખરી પછાડી; પુચ્છ ઉછાળી

ધસી આવશે,

કરોળિયાનાં જાળાઓમાં

શિંગ ભરાતાં

ખચકાશે; અટવાશે,

ત્યારે

દેહ ઉપરથી

ભસ્મ ઉડીને પંથ ચીંધશે,

ઘંટારવની સૌરભ પ્રસરે કુંજે કુંજે,

આજ સકલ બ્રહ્માંડ શબ્દનું ઝૂલ્યું,

ખૂલ્યું ખૂલ્યું

આજ મૌનનું બંધ શિવાલય ખૂલ્યું.


-આદિલ મન્સૂરી

તેમના ‘સતત’ કાવ્ય સંગ્રહમાંથી

તું હની ખિજાય છે -અદમ ટંકારવી, ગાયક-ચંદુભાઈ મટાણી

jyare jyare tu hani khijay chhe

Singing chandubhai  2

ગાયક અને પ્રોડ્યુસરઃ ચંદુભાઈ મટાણી

નાની અમસ્તી વાતમાં અપસેટ થઈ ગઈ

હમણાં સુધી જે ધીસ હતી તે ધેટ થઈ ગઈ

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી,

ઈન્ગલેન્ડમાં આવી અને ચોકલેટ થઈ ગઈ

ગુજલીશ

જ્યારે જ્યારે તું હની ખિજાય છે

ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે

સાવ નિર્મમ ના કહીશ ગુડબાય તું

ગુજરાતીમાં આવજો કહેવાય છે

લાગણી લીટરના જેવી છે રબીશ,

ડસ્ટબીનમાં તે હવે ફેંકાય છે

તું મને પાલવનું ઇન્ગ્લીશ પૂછ નહિ

અહિંયા આંસુ ટીશ્યુથી લુછાય છે

મોનિકા જેવી જ ભાષા છે ‘અદમ’

સહેજ અડીએ ને ભવાડા થાય છે

-અદમ ટંકારવી

આ ગુજલીશ સાંભળવા ઉપરની લીંક ક્લીક કરો..

બીજી વાર ફરી તમારે લીન્ક પર ક્લીક કરવી પડશે…ત્યારે સ્ક્રીન બ્લેન્ક થશે અને એમપી૩ પ્લેયર ઓપન થશે..

આલ્બમઃ ગુજરાતી ડોટ કોમ

સંગીતઃ આસિત દેસાઈ

સપનાની વાત સાચી પડે તો ગઝલ કહું

હસતો ચહેરો રાખીને પરદેશમાં ફરતાં રહ્યાં

પણ વતનની યાદથી લ્યો ,આંખ આ ભીંજાઈ ગઈ

આજે કવિમિત્ર હારુન પટેલ ની એક ગઝલ રજુ કરું છુ.આશા છે  રસિકોને ગમશે,


taras ekગઝલ

સપનાની વાત સાચી પડે તો ગઝલ કહું

તારી કશેક ભાળ મળે તો ગઝલ કહું

અજવાશ આ કેવો કે દઝાડે છે રોમરોમ

સૂરજ આ અવદશાનો ઢળે તો ગઝલ કહું

કરવી છે વાત મારે વાત વિગતવાર ઝ્ખ્મની

દિલમાં જરાક દર્દ વધે તો ગઝલ કહું

જીવનના સીધા સાદા સવાલોમાં રસ નથી

પ્રશ્નોમાં જરા ગૂંચ પડે તો ગઝલ કહું

દૌબારા, વાહવાહનો ઘોંઘટ શું કરું

દિલથી કોઈ ઈર્શાદ કહે તો ગઝલ કહું

મારું તમારું એમનું છે દર્દ આ દિલમાં

આ દર્દથી રાહત જો મળે તો ગઝલ કહું

દુર્ભાગ્ય મારું એવું કે તું તો મળી નહીં

તારા જ જેવું કોઈ મળે તો ગઝલ કહું

‘હારુન’ સમી સાંજમાં અંધારું થઈ ગયું

યાદોના દીપ દિલમાં જલે તો ગઝલ કહું

-હારુન પટેલ,બોલ્ટન

તેમના ‘તરસ એઅક દરિયાની’ ગઝલ સંગ્રહમાંથી

બલેકબર્ન -સુફી મનુબરી,

VP mushaira

બ્લેકબર્નના તા. ૧૭.૫.૨૦૦૯ ના આયોજિત મુશાયરામાં ઉપસ્થિત યુ.કેના શાયરો.

બેઠેલ પંક્તિમાં, દિલીપ ગજ્જર, પ્રેમી દયાદરવી, સિરાજ પટેલ, પથિક સિતપોણવી,સૂફી મનુબરી,હસન ગોરા.

ઉભેલ પંકિતમાં, મહેંક ટંકરવી, અહમદ ગુલ, ઈસ્માઈલ દાજી, બેદાર લાજપુરી, મધુ ચામ્પાનેરી, વસુ ગાંધી,

બાબર બંબુસરી, કદમ ટંકારવી, અદમ ટંકારવી, ઈબ્રાહિમભાઈ

બલેકબર્ન હઝલ

ઓ માય દિયર ઓ માય સન

આ ટાઉનનું નામ બલેકબર્ન

ઊઠે તે સૂતાની ઘડી,

થાક્યા ટેકરા ચડી ચડી

એક નહિં પણ એકાવન,

ભરુચીઓનું થાય દર્શન

લેંઘા જેવું ઢીલું જીવન,

કફનીનું તૂટેલું બટન.

પોત્રો ફિશ એન્ડ ચિપ્સ લાવે,

દાદાને તો ભજિયા ભાવે.

મુસાએ બિકનેલમાં અથાડી,

લાયસન ટેક્ષ વગરની ગાડી.

પટેલ બાહુક જેવો લાગે,

એને જોઈને ગોરી ભાગે.

વ્હોલીરેન્જ પર શોર બકોર,

લાગે છે કે આ લાહોર.

બાલા-કલાવામાં હું ફરું છુ,

ત્યારે ભરુચને યાદ કરું છું.

શાદીની જો સિઝન આવે,

બેન્ગોરમાં જઈ ધૂમ મચાવે.

ભરુચીઓ મહેફિલ જમાવે,

સૂરતી નાન ખટાય બનાવે.

બાબરભાઈને ગાંઠિયા ભાવે,

દશ પેનીના લઈને આવે.

જેક સ્ટ્રો પણ અહિયાં ફરતાં,

પટેલને જોઈ હલ્લો કરતાં.

લોર્ડ આદમ લેન્ગોમાં વસ્તા,

બિકનેલમાં એ જુમ્મા પઢતા.

બલેકબર્નમાં આ સૂફી ફરે છે,

ટાંટિયા એના ભજન કરે છે.

દુકાનમાં જઈ તડબૂચ ચાખે,

ડોર હંમેશા ખુલ્લાં રાખે.

અહીં ઘરોમાં તાલિમ થાય,

ચૂંટણી આવે જંગ ખેલાય.

પ્રેસ્ટનવાળી ગાંડી થાય,

જણસો લેવા બલેકબર્ન જાય.

ફાતમ ગાડી દોડાવે છે.

કપડા લેવા આવે છે.

ટેકરા ઉપર ફેંકે છે,

ખાઈને હાજી હાંફે છે.

પ્રેમી-દલાલને બાબર છે,

બલેકબર્નના એ શાયર છે.

‘સૂફી’ અહિયાં ધાંધલ થાય,

બલેકબર્ન યુ.કે. માં પંકાય.

 -સુફી મનુબરી, બોલ્ટન