વ્હાલ નિર્ઝર

Dsbooksધરતીમાં થી મઘમઘતાં અંકુરો ઉગ્યા
ઠુંઠા વૃક્ષોને પણ રાતા ફણગાં ફૂટ્યાં
અંતરમાં સીમિત તેનાથી ના રહેવાયું તો,
ખળખળ વહેતા નિર્મલ નીરના વ્હાલ વછુટ્યા
એક તારા નામ ઉપર ફિદા થયા તો
એકતાના અંક કોણે કોણે ઘૂંટ્યા ?
શાસ્ત્રોએ શું દયા પ્રેમ જેવું નાં શીખવ્યું ?
કે હિંસક થઇ માનવતાના વસ્ત્રો લુંટ્યા !
વિપરીત ધર્મો પાળી ને સંહાર આદર્યા
સૃષ્ટાની સૃષ્ટીનાં સુંદર સર્જન ચૂંથ્યા
મંદિર મસ્જીદ ઝુકી ઝુકી અક્કડ થઈને
આસપાસ ને અંતરમાં જોવાનું ભૂલ્યા
જીવન ફૂલો જેવું જ્યારે નાં મહેક્યું તો
ઈશ્વરને ધરવા બાગેથી ફૂલો ચૂંટ્યા !
થોડી પણ અંતરમાં તેની ઝાંખી થઇ ગઈ
ત્યાં નૈનોમાં દયાભાવના ઝરણા ઉમટયા
ભૂખ્યા તરસ્યા આશા રાખી નજરો તાકે
દીન દુખિયાના કોક દિવસ પણ આંસુ લૂછ્યા ?
જ્યારે દિલીપ, નજર ગઈ દુનિયા પર તેની,
જાત જાતના દિલમાં ભારે પ્રશ્નો ઉઠ્યા
-દિલીપ ગજજર
કવિતા સાથે ભેટમાં મળેલ પુસ્તકોની છબી રજુ કરું છું
(1) બ્લેકબર્ન મુશાયરા દરમ્યાન કવિ મહેંક ટંકારવી એ ભેટ આપેલ તેમનો ગઝલ સંગ્રહ, પ્રેમરસ પ્યાલો
(2) અટકળ નો દરિયો, કવિ મિત્ર અઝીઝ ટંકારવીનો ગઝલ સંગ્રહ તેમના સુપુત્ર ફારુક તરફથી
(3) ઓથાર અદમ ટંકારવી રચિત અછાંદસ કવિતાઓનો સંગ્રહ જેમાં 2002 ના કોની રમખાણોનો ચિત્કાર..
(4) અંતિમ પર્વ ખુબ જ પ્રસિદ્ધિ પામેલ મૃત્યુ પર નાં લેખ કવિતા સુવાક્યો નું સંપાદન અમારા લેસ્ટરના ગાયકમિત્ર ચંદુભાઈ મટાણી, તેમના ભજનો ની ઓડીઓ સીડી દ્વારા ભાવપૂર્વક ભેટ મળ્યું

તારી મારી વચ્ચે છે તે અંતર સારું

DGimage14
તારી મારી વચ્ચે છે તે અંતર સારું

અંતરથી અંતર લાગે છે સૌને પ્યારું

હોય અતિશય પાસે જોવું મુખડું મુશ્કેલ,
પણ લાગે નયનો વચ્ચેનું અંતર ન્યારું

દીર્ઘ શીયાળા બાદ ફૂટ્યા અંકૂર મજાના
એ અંકુરથી ખુશ્બુના અંતર પર વારુ

આકાશી ગોખે તું રહેજે તારક થઈને,
તને ન નડશે અમાસનું કાળું અંધારું

કરમાં કર દીધા તા કોમળ ભાવી જોવા
હાક દઈ આનંદથી તવ નામ પોકારું

હી હી હી ખી ખી ખી કરતા ભક્તો તારા
રાખીશ નહિ અંતર તો જાશે ગુરુપદ તારું

વ્યક્તિગત ઘટના પુરતો કઈ પ્રેમ સીમિત ના
વ્યક્તિત્વ વિસ્તરશે છૂટશે તારું મારું

એક બીજાના દિલમાં ભળતા દ્વૈત ઓગળે
હું એવા અદ્વૈત ઉપર તન મન ઓવારું
-દિલીપ ગજજર

31.03.14 લેસ્ટર

Image by DGajjar

 

સાવ નાની વાતમાં આનંદ આવે છે હવે

Image taken by DGajjar

Image taken by DGajjar

સાવ નાની વાતમાં આનંદ આવે છે હવે
અંકૂરો ફૂટૅ હ્રુદયમાં રંગ આવે છે હવે

ઊઠતાવેંત સૂર્ય પ્યારો પૂછે મિત્ર કેમ છો ?
મિત્રતાનું એક કિરણ ઉમંગ લાવે છે હવે

સ્નેહની નજરે નિરખતાં વિશ્વ અદભૂત લાગતું
પ્યારનો સંસાર અનોખો ઢંગ લાવે છે હવે

મુક્ત શ્વાસો જ્યાં રુંધાતા તે હવાથી દૂર છું
મૂલ્યની નિષ્ઠા ખરો સતસંગ લાવે છે હવે

સૂર્ય ચન્દ્ર વૃક્ષ વન ફૂલો મન ભરીને નીરખું
પ્રકૃતિ આખી દિલીપની સંગ આવે છે હવે

-દિલીપ ગજજર

અવસર એક ઉજવાયો ! Royal baby !

Royalbaby2

મિત્રો, વિલિયમ્સ અને કેટ ના રોયલબોયની જન્મ શુભેચ્છારુપે એક કાવ્ય શેર કરુ છું..
જન્મ; ૨૨ જુલાઈ ૧૩, નામઃ જ્યોર્જ એલેક્ઝાંડર લૂઇ

અવસર એક ઉજવાયો !

ક્ષીરસાગરમાં  સૂતો  સરતો  થેમ્સ કાંઠે  આવ્યો !
આમ છતાંયે ખાસ બનીને રોયલ બાબો આવ્યો !

સીટિ ક્રાયરે પોક મૂકીને સંદેશો ફેલાવ્યો
બકીંઘામ પેલેસ દ્વારે  લેખિત દર્શાવાયો

નૌકાદળમાં  પાયદળમાં પરેડ પણ  યોજાઈ
એકતાળીશ તોપો ગર્જી સલામીઓ દેવાઈ

રાણીબાં ને પ્રિન્સ વિલિયમ્સ કેટ બહુ હરખાયાં
લંડન શ્હેર ને  યુકેભરમાં  તોરણ ધ્વજ  લહેરાયાં

બકીંઘામના મ્હેલમાં રહેવા દ્વારો આજે ઉઘડ્યાં
નવઆગંતુક રાજકુંવરના પગલાઓ ત્યાં  પડ્યા

જ્યોર્જ એલેક્ષઝાંડ્ર લુઈ નામે ઓળખાયો
કેમ્બ્રીજ ગાદીનો વંશજ રાજ્કુંવર કહેવાયો

તે રાત્રીએ વાજગીજ સહ ગર્જના સંભળાઈ
પૂર્ણિમાની  ઉજળી રાતે  ચાંદની જો  ફેલાઈ

આ દિવસના જન્મ પામી જે જે બાળક આવ્યા
ભેટ  દેવા   ચાંદી  સિક્કા  તેઓ  કાજ  ઘડાવ્યાં

આન  બાન  ને  શાનથી  લોકોએ  ખૂબ  વધાવ્યો
બ્રિટનની ધરતીને આંગણ અવસર એક ઉજવાયો !

Dilip Gajjar, Leicester. UK

ભેટ જીવનમાં મળી …

atHeathrow1

ભેટ જીવનમાં મળી તે ભેટ્ને માપો નહીં

ભાવના સમજી લઈ દેનારને શાપો નહીં

ભાવ આપી ભાવ પામો, છો બીજું આપો નહીં 

ભાવમાં ભગવન વસે છે ભાવ ઉથાપો નથી 

ભાવનો સાગર ગહન ને ભાવનું કારણ અગમ 

બુદ્ધિને કાંઠે ઉભા અશ્રુવહન  માપો નહીં 

મૂલ્ય તેને મન તમારું સહેજ પણ ઓછું નથી

ગર્વના શીખરે ચડી હુંકાર ધ્વજ સ્થાપો નહીં

આઈ લાવ યુ તે કહે ના, આઈ લવ યુ હું કહું ના,

ખુલ્લા દિલના આવકારા  સમ બીજો ઝાંપો નહીં 

પ્રેમ તારી મારી વચ્ચે ત્યાં પ્રભુ પણ નાચશે 

પથ્થરોના સ્થાન પુરતો પ્રેમને સ્થાપો નહીં

તે પરમનો સાદ દઈને  સ્નેહનો વરસાદ દે 

એક સરખી ચાહમાં ઓછું વધુ આપો નહિ 

હોય જ્યાં  છાંટો દયાનો ત્યાં સહાનુભુતિ હો,

ગાય ઘેટાં બકરાં માસૂમ જીવને કાપો નહીં

વાણી ને વિચાર ને વર્તમહીં ના  સામ્યતા

કાગળૉના વાઘને ઊંચા બિરુદ આપો નહીં

પ્રેમમાં તન્મય તું  ગાઈ  શકે નાચી શકે 

ત્યાં ‘દિલીપ’ સ્વદેશ કે પરદેશ ઝુરાપો નહી 

-દિલીપ ગજજર 7/6/13

 

મિત્ર બનતા હોય છે

Image by DG

Image by DG

मा रोदि ही / રડો નહી –વેદ
 
પારકા પણ મિત્ર બનતા હોય  છે
સ્વજનો બસ શત્રુ ઠરતા હોય છે
            કોઈની ચપટી દુઆ પણ ખાસ  છે
          પોતીકા ચુટલી જ ખણતા હોય છે
કોઈ  કઈ  ને  કૈક  છો  કહ્યા  કરે
નાખુદા તો માર્ગ કહેતા હોય છે
            મેલી ચાદર કોણ  ધોવા  ઇચ્છતું ?
          કંઈ કુટિલતા જાળ વણતા હોય છે
કોણ  તારાં  નામની  માળા  જપે  ?
સ્વાર્થના મણકાઓ ગણતાં હોય છે
           જ્યાં મહેકતા બાગથી ખુશબો ઉઠી
         જીવતાજી  કૈક  બળતા  હોય   છે
જે અભિષેક ઇશનો લે ઓળખી
પ્રેમના પ્રવાહે ન્હાતા  હોય  છે
          એક બે સપના બચ્યા જે આંખમાં 
          ધૂળમાં   રગદોળી  દેતા  હોય  છે
સ્વાર્થવિણ કઈ કાર્ય કે ના પ્યાર દે
તે  પ્રભુને  ફૂલ  ધરતા  હોય  છે
            ભેટ પામ્યા જે પરમના કાવ્યની
          હરપળે તહેવાર કરતા હોય  છે
વેદ કહેતા બાળકો, मा रोदि ही
અજ્ઞબાળક ખુબ રડતા  હોય  છે
           હા દિલીપ, સંસારના સાક્ષી થતા
          સુખદુઃખના ખેલ જોતા હોય  છે
દિલીપ ગજજર 
1/4/13 લેસ્ટર

मदभावो मानसा जाता

PerpulCrocus
मदभावो मानसा जाता एषाम  लोक ईमां  प्रजा :
 ગઝલ :-
હૈયે હૈયે લાગણીનાં સાત સાગર ઘૂઘવે
ઓટભરતી વૃત્તિનાં મોજાં  ઉછળતાં  સૂચવે

સો શરદ જાણે વિતી દિલ આજ ઝૂમી ઉઠીયું 
લાગણીના બાગમાં એક ફૂલ ખીલી ઉઠીયું 
પ્રેમની એક ડાળ જ્યાં પંખીનું મીઠું ગાન છે
પ્રેમના  પરિવારમાં ક્યા માનવી અપમાન  છે
સૃષ્ટિ માં સરવાને સારું સૌનું સરખું સ્થાન હો  !
સર્વ સર્જન સાથ સર્જકનું સદા સન્માન હો   !
નિજના દુર્ગુણ શું દર્પણ નથી દર્શાવતો ?
કોઇપણ  સત્કાર્યમાં  ઉત્સાહ  કાં ન આવતો ?
ધર્મ જ્યાં બાધા નથી ત્યાં  કોઇપણ નફરત નથી
માનવી ને  કેમ બનવા માનવી  ફુરસત નથી
ખુલશે નાં લોભના ભંડારીઓનાં  બારણાં
કામ ક્રોધ ને નર્ક ના ખુલ્લાં જ અંતે બારણાં
પ્રેમ કરવાના  ગુના પણ માફ તેને ના કર્યા
પ્રેમીઓ જાલિમ જગતથી  કોઈ દિવસ નાં ડર્યા
છીછરાં  પ્રતિબંબમાં  સંબંધનાં સૌ  ચિત્ર છે
જો મળો તો મિત્ર છે  જો ના મળો તો શત્રુ છે
સૃષ્ટિ તેની જોવા દિવ્ય દૃષ્ટિ લો દિલીપજી 
સારઅસાર ના સાધિયો તો ભરખી લેશે કાળજી
-દિલીપ ગજજર,લેસ્ટર
18/2/2013
diport16213