આપ સમક્ષ,ભારત જતાં મિત્રને સ્વાસ્થ્ય શુભેચ્છા અંગે આ પોષ્ટ રજુ કરું છું
આવજો !
ના નહી આવું કહી ના અલવિદા કહેડાવજો
આવજો બસ જલ્દી સારા નરવા થઈને આવજો
જંગ લડવા જાવ છો વિજયી બનીને આવજો
રોગ દુર્ગુણો વિકારોને હરાવી આવજો
મિત્રતા પરચમ ઉચેરો આભમાં લહેરાવજો
મિત્રતાના ઈત્રને ચારે તરફ પ્રસરાવજો
આંધીઓમાં ઈશ અંતરદીપ જલતો રાખજો
અલવિદા કહેતો નથી હસતે મુખે બસ આવજો
ઊડ્જો ઊંચા ગગનમાં મુક્ત મનથી ઊડ્જો…
આવજો બસ નવજીવન પાછું લઈને આવજો
આંસુઓ ના સારજો દુર્બળ વિચારો ભાગજો
સાચવી જડીબુટ્ટીઓ પાસે લઇ સુંઘાડજો
ઉરમહી ઉમંગની ગાગર છલકતી રાખજો
સપ્તરંગી આંખમાં આંજીને સપના આવજો
સ્વાસ્થ્ય મારા મિત્રનું પોષક પ્રભુ તવ હાથમાં
હાથ જોડી પ્રાર્થું તમને હે પ્રભુ સંભાળજો
વેદના આશિષ તમને જીવજો સો સો શરદ
હા કવિની દૃષ્ટિએ અવલોકવા જગ આવજો
નામ સંબંધોના લૌકિક સ્થાપવા શાને હવે
માનવે માનવ્યના સન્માન મનમાં ધારજો
સર્વ સીમાઓની પેલે પાર પર જેનું મૂલ્ય છે
તાંદુલી એ તત્વનું ના મૂલ્ય ઓછું આંક્જો ..
એક દીપક દિલમહી જલતો જરા સંકોરીને
સોળ શણગારો સજી લઇ પ્રિયતમ રીઝાવજો
લોક દર્શન કાજ છોને દેવસ્થાનો પર જતાં
આપ થઇ અંતર સખા મુજ અંતરે બીરાજજો
-દિલીપ ઈલા અને યોગીશાની
અંતરની શુભેચ્છાઓ
૨૨.૧૨.૨૦૧૦